
વિજાપુર તાલુકાના પિલવાઈ ખાતે નવીન ગ્રામ પંચાયત મકાનનું ખાતમુહૂર્ત સંપન્ન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઈ ગામ ખાતે નવીન ગ્રામ પંચાયત મકાનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા તથા જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
પિલવાઈ ગ્રામ પંચાયતની કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી ગામના મધ્યમાં આવેલા જૂના ચોરામાં સ્થિત પંચાયત મકાનમાંથી ચાલી રહી હતી. સમય જતાં આ મકાન જર્જરિત બનતા ગામની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવા પંચાયત મકાનની માંગ ઉઠી હતી. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ પિલવાઈ ગામની વસ્તી 8,910 નોંધાઈ હતી, જે હાલમાં વધતી જતાં ગ્રામજનોને વધુ સુવિધાસભર અને આધુનિક પંચાયત મકાનની જરૂરિયાત ઉભી થઈ હતી. સરકાર દ્વારા નવીન પંચાયત મકાન માટે સિદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ આજે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી.
નવીન પંચાયત મકાનના નિર્માણથી ગ્રામજનોને વધુ સારી વહીવટી સેવાઓ ઉપલબ્ધ બનશે તેમજ પંચાયતની કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.



