MORBI:મોરબીના રંગપર નજીક પત્નીની હત્યા કેસમાં પતિની ધરપકડ




MORBI:મોરબીના રંગપર નજીક પત્નીની હત્યા કેસમાં પતિની ધરપકડ

મોરબીમાં કરુણાંતિકા: પ્રેમલગ્નના માત્ર ૧.૫ મહિનામાં જ પતિએ શંકાના વહેમમાં પત્નીની પથ્થરના ઘા ઝીંકી કરી ક્રૂર હત્યા
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલી એક સિરામિક ફેક્ટરીમાંથી હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં લગ્નના માત્ર દોઢ મહિનાની અંદર જ પતિએ પત્નીના ચરિત્ર પર શંકા રાખી ગળું દબાવી અને કપાળના ભાગે પથ્થરના (બેલાના) ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવી છે. આ ચોંકાવનારા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના ભીમપાર ગામના વતની મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામે આશરે દોઢ મહિના પહેલા જ નજીકના ગામમાં રહેતી રેખા ઉર્ફે રિયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ નવદંપતી આશરે દોઢ-બે મહિના પૂર્વે જ મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ ‘મારબીજ સિરામિક’ કારખાનામાં મજૂરી અર્થે આવ્યું હતું અને ત્યાં જ લેબર ક્વાર્ટર્સમાં રહેતું હતું.
કારખાનામાં જ કામ કરતા દિલભર યાદવ નામના અન્ય એક મજૂર સાથે રેખા ઉર્ફે રિયા વાતો કરતી હતી. આ બાબત પતિ મહેન્દ્રસિંહને ખટકતી હતી અને તેના મનમાં શંકા વહેમ ઘર કરી ગયો હતો કે તેની પત્નીને દિલભર સાથે અનૈતિક સંબંધો (લફરું) છે. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો.
ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આવેશમાં આવીને પતિ મહેન્દ્રસિંહે પહેલા પત્ની રિયાનું ગળું દબાવી દીધું હતું અને ત્યારબાદ ક્રૂરતાની હદ વટાવી તેના કપાળના ભાગે બેલાના (પથ્થરના) ફટકા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ દબાતી ચીસો અને કરુણ ઘટના અંગે મૃતક રિયાના પિતા શિવકુમાર પ્રેમલાલ મરાવીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં જમાઈ મહેન્દ્રસિંહ વિરૂદ્ધ પત્નીની હત્યાની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
મોરબી ડીવાયએસપી (DySP) ના જણાવ્યા અનુસાર, મારબીજ સિરામિકની મજૂર કોલોનીમાં બનેલી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ ચરિત્ર પરની શંકા જ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી પતિ મહેન્દ્રસિંહ મરકામની ધરપકડ કરી લીધી છે અને હાલ તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.



