MORBI:મોરબી નજીક પેપર મિલમાં કૌટુંબિક હિંસાના ઝઘડામાં પતિએ પત્નીની હથોડીના ઘા ઝીંકી હત્યા કરી

MORBI:મોરબી નજીક પેપર મિલમાં કૌટુંબિક હિંસાના ઝઘડામાં પતિએ પત્નીની હથોડીના ઘા ઝીંકી હત્યા કરી
મોરબી પાસે આવેલી આધ્યા શક્તિ પેપર મિલના મજૂર પરિવારમાં માત્ર ₹5,000ની રકમને લઈને થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પુત્રીની ડિલિવરી વખતે આપેલા નાણાંના મુદ્દે થયેલા ઉગ્ર ઝઘડામાં પતિએ આવેશમાં આવી પત્નીના માથામાં લોખંડની હથોડી મારી દઈ નિર્મમ હત્યા નિપજાવી છે.
મોરબીના ભડીયાદ ગામ નજીક આવેલી પેપર મિલમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનોદભાઈ ભુરાભાઈ કટારા (ઉં.વ. 31) નામના યુવકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાના પિતા ભુરાભાઈ બુધિયાભાઈ કટારા વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી વિનોદભાઈની બહેન સુનીતાની ડિલિવરી વખતે તેમની માતા (મૃતક) એ ₹5,000 આપ્યા હતા. આ બાબતને લઈને આરોપી પિતા ભુરાભાઈ કટારાએ પત્ની સાથે અવારનવાર માથાકૂટ કરી ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન આરોપીએ ઉશ્કેરાઈ જઈ પોતાની પત્નીના માથાના ભાગે લોખંડની હથોડીના ગંભીર ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.
ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પિતા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મોરબી તાલુકા પોલીસે ફરિયાદીની પુછપરછના આધારે ગુનો નોંધી, ફરાર આરોપીને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









