HALVAD:હળવદમાં કળિયુગી પિતાની ક્રૂરતા: ૧ વર્ષના માસૂમ દીકરાને ઝાડીઓમાં ત્યજી દીધો :પંથકમાં અરેરાટી





HALVAD:હળવદમાં કળિયુગી પિતાની ક્રૂરતા: ૧ વર્ષના માસૂમ દીકરાને ઝાડીઓમાં ત્યજી દીધો :પંથકમાં અરેરાટી

માનવતાને લજવતી અને પિતા-પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક હૃદયદ્રાવક ઘટના હળવદ તાલુકામાં સામે આવી છે. જેમાં એક પાષાણ હૃદયના પિતાએ પોતાના જ એક વર્ષના માસૂમ દીકરાને નિર્જન જગ્યાએ રામભરોસે છોડી દઈ તેનું મોત નીપજાવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

હળવદના સુસવાવ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના પટમાં આવેલા સ્મશાન પાસેની ઝાડીઓમાંથી એક અજાણ્યા માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, પરંતુ પોલીસની તીક્ષ્ણ નજર અને ઊંડાણપૂર્વકની તપાસમાં આ આકસ્મિક મૃત્યુ નહીં પણ સુનિયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપી પિતા ભયલુ ઉર્ફે રાજુ તેરસીંગ બામણીયા (રહે. હાલ રાયસંગપર, મૂળ રહે. દાહોદ) એ જ આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું છે. આરોપીએ પોતાના એક વર્ષના પુત્ર નવશિકને કોઈ અગમ્ય કારણોસર મોતને ઘાટ ઉતારવાના બદઈરાદે નદીના પટમાં બાવળની ઝાડીઓમાં અસહાય હાલતમાં ફેંકી દીધો હતો.નિર્જન સ્થળે હોવાને કારણે માસૂમ બાળકને કોઈ મદદ મળી શકી નહીં.ભૂખ, તરસ અને કાળઝાળ ગરમી જેવા પરિબળોને કારણે બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.હળવદ પોલીસે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. PSIએ પોતે ફરિયાદી બની આરોપી પિતા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ (BNS) કલમો હેઠળ ગુનો નોંધ્યો છે:કલમ ૧૦૫: સાપરાધ મનુષ્ય વધ (Culpable Homicide).કલમ ૯૩: બાળકને અરક્ષિત સ્થળે ત્યજી દેવું. હાલ પોલીસ દ્વારા ફરાર આરોપી પિતાને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. એક પિતા દ્વારા જ પોતાના લોહીને આ રીતે મોતને ઘાટ ઉતારવાની ઘટનાએ સમાજમાં નૈતિકતા સામે અનેક સવાલો ઊભા કર્યા છે.


