MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જેતપરમાં વિજપોલ કંપની સામે ખેડૂતોનો હલ્લાબોલ: ધોમધખતા તાપમાં પોલીસ અને ખેડૂતો આમનેસામને

 

MORBI:મોરબીના જેતપરમાં વિજપોલ કંપની સામે ખેડૂતોનો હલ્લાબોલ: ધોમધખતા તાપમાં પોલીસ અને ખેડૂતો આમનેસામને

મોરબીના જેતપર ગામે વિજપોલ (વીજળીના થાંભલા) નાખતી કંપનીની દાદાગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મંજૂરી વગર કે નક્કી કરાયેલી જગ્યા સિવાય અન્ય જગ્યાએ ખેડૂતોના ઊભા પાક વચ્ચે ખાડા ખોદી નાખવામાં આવતા વિવાદ વકર્યો છે. આ અન્યાય સામે આજે ખેડૂતોએ એકઠા થઈને કંપની સામે ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, જેતપર ગામની સીમમાં વિજપોલ ઊભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે. જોકે, કંપનીના સત્તાધીશો દ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના, તેમના ખેતરોમાં મનસ્વી રીતે અન્ય જગ્યાએ ખાડા ખોદી નાખવામાં આવ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની તંત્ર પોતાની દાદાગીરી ચલાવીને ખેતીને નુકસાન પહોંચાડી રહ્યું છે.

પાલભાઈ આંબલીયાના કંપની સામે આકરા પ્રહારો

ખેડૂતોના આ આક્રોશને સમર્થન આપવા માટે કિસાન નેતા પાલભાઈ આંબલીયા પણ સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે કંપનીની જોહુકમી સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “ખેડૂતોની જમીન પર તેમની મરજી વિરુદ્ધ આ પ્રકારે કામગીરી કરવી એ સરાસર અન્યાય છે. કંપનીના અધિકારીઓ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.” તેમણે આ મામલે કંપની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે.

ભારેલા અગ્નિ જેવી સ્થિતિ: પોલીસ અને ખેડૂતો આમનેસામને

ઘટનાને પગલે સ્થાનિક પોલીસ કાફલો પણ જેતપર ગામે દોડી ગયો હતો. એક તરફ કાળઝાળ ગરમી અને ધોમધખતો તાપ હતો, તો બીજી તરફ પોતાના હક માટે લડતા ખેડૂતોનો ગુસ્સો સાતમા આસમાને હતો. બપોરના આકરા તાપમાં ખેડૂતો અને પોલીસ સામસામે આવી જતાં સ્થળ પર ભારે નારાજગી અને તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો.

ખેડૂતોની માંગ: જ્યાં સુધી કંપની સામે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે અને ખેડૂતોને ન્યાય નહીં મળે, ત્યાં સુધી આ આંદોલન સમેટાશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે

Back to top button
error: Content is protected !!