JODIYA:જોડિયાના બાલંભામાં જય જગન્નાથના નારા સાથે નીકળી ભવ્ય રથયાત્રા: ભક્તિના રંગે રંગાયું આખું ગામ

JODIYA:જોડિયાના બાલંભામાં જય જગન્નાથના નારા સાથે નીકળી ભવ્ય રથયાત્રા: ભક્તિના રંગે રંગાયું આખું ગામ
અષાઢી બીજના પાવન પર્વે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ
જોડિયા: જોડિયા તાલુકાના ઐતિહાસિક બાલંભા ગામે ગત તારીખ ૧૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા આયોજિત આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા.
“જય જગન્નાથ” ના ગગનભેદી જયઘોષ, હરિનામ સંકીર્તન અને ભક્તિમય વાતાવરણ વચ્ચે નીકળેલી આ રથયાત્રાએ સમગ્ર બાલંભા ગામને આધ્યાત્મિક રંગે રંગી દીધું હતું.આ ભવ્ય રથયાત્રા બાલંભા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. ભગવાનના રથના દર્શન કરવા અને ભાવપૂર્વક આશીર્વાદ મેળવવા માટે માર્ગોની બંને બાજુએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. રથયાત્રાના સમગ્ર રૂટ પર હરિનામ સંકીર્તન અને આધ્યાત્મિક કાર્યક્રમોની રમઝટ જામી હતી, જેનાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
યાત્રા દરમિયાન સેવાની સરવાણી વહી હતી. વિવિધ સ્થળોએ સ્થાનિક સેવાભાવી નાગરિકો દ્વારા હરિભક્તો માટે ઠંડા પીણા અને શરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજકોના સુચારુ વ્યવસ્થાપનને કારણે સમગ્ર રથયાત્રા અત્યંત શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને ધાર્મિક ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે ગામના અગ્રણીઓ અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. જેમાં પ્રમુખ આયોજકો અને સેવાભાવી અગ્રણીઓ જેવા કે:ભીમજીભાઈ વાઘેલા ,જયંતીભાઈ ટાંક ,ભરતભાઈ રાવલ ,અજયભાઈ રામપરિયા ,લલિતભાઈ નિમાવત ,દિનેશભાઈ દલવાડી ,સવજીભાઈ ગોહેલ ,ચેતનભાઇ રામપરિયા (ઉપપ્રમુખ, જોડિયા તાલુકા પંચાયત) હિતેશભાઈ ટાંક (સરપંચ, બાલંભા ગ્રામ પંચાયત)તેમજ સમગ્ર બાલંભા ગામના ઉત્સાહી ગ્રામજનોએ એકજુથ થઈને આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રથયાત્રા પૂર્ણ થતાં જ હરિભક્તોમાં ભારે ખુશી અને સંતોષની લાગણી જોવા મળી હતી.











