HALVAD:હળવદના કડીયાણા ગામે વાડીમાં પાણીના વારા બાબતે સગા ભાઈઓ/જ્ઞાતિજનો વચ્ચે ધીંગાણું: પોલીસ ફરિયાદ નોંધાઈ







HALVAD:હળવદના કડીયાણા ગામે વાડીમાં પાણીના વારા બાબતે સગા ભાઈઓ/જ્ઞાતિજનો વચ્ચે ધીંગાણું: પોલીસ ફરિયાદ નોંધાઈ


હળવદ તાલુકાના કડીયાણા ગામે ખેતરમાં પાણીના વારા જેવી નજીવી બાબતે કૌટુંબિક સગાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સશસ્ત્ર મોરચો મંડાયો હોવાની ઘટના સામે આવી છે. પાણી વાળવા બાબતે થયેલી તકરારમાં લાકડાના ધોકા અને નિંદામણ કરવાના છરીયા (દાંતરડા) વડે હુમલો કરાતા એક મહિલા સહિત બે વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે બે શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, કડીયાણા ગામે રહીને ખેતીકામ કરતા મનસુખભાઈ તેજાભાઈ વડોલીયા (ઉં.વ. ૩૮) એ આરોપીઓ પ્રવિણભાઇ પ્રેમજીભાઈ વડદોલિયા તથા પ્રભાતભાઈ વાલજીભાઈ વડદોલિયા (બંને રહે. કડીયાણા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી મનસુખભાઈ અને આરોપીઓ વચ્ચે પાણીની લાઈન સહિયારી છે, જેમાંથી બંને પક્ષો પોતપોતાના ખેતરમાં પાણી પાતા હોય છે.
ઘટનાના દિવસે ખેતરમાં પાણી પાવાનો વારો મનસુખભાઈનો હતો અને તેઓ પાણી પાઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં આવી પહોંચેલા આરોપીઓએ ‘પાણીનો વારો અમારો છે’ તેમ કહીને મનસુખભાઈ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. વાત આટલેથી ન અટકતા આરોપીઓએ ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ લાકડાના ધોકા વડે મનસુખભાઈના પગ પર હુમલો કરી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા સાથી અમૃતાબેનને પણ આરોપીઓએ નિંદામણ કરવાના છરીયાનો ઘા માથામાં મારી દેતા તેઓ લોહીલુહાણ થયા હતા.
આ હુમલા બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મનસુખભાઈ વડોલીયાની ફરિયાદના આધારે હળવદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ શરૂ કરી છે.


