MORBI:મોરબીમાં સરકારી ટેન્ડર પ્રક્રિયામાં લાખોની છેતરપિંડી: બોગસ FD રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ




MORBI:મોરબીમાં સરકારી ટેન્ડર પ્રક્રિયામાં લાખોની છેતરપિંડી: બોગસ FD રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ

મોરબી વન વિભાગની સરકારી ટેન્ડર પ્રક્રિયામાં એક ગંભીર છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કોન્ટ્રાક્ટરે ટેન્ડર મેળવવા માટે બોગસ દસ્તાવેજો અને બનાવટી બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) રજૂ કરી વન વિભાગ સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને વન વિભાગમાં ફરજ બજાવતા કરશનભાઈ ગોવાભાઈ ચાવડાએ ગીર સોમનાથ જિલ્લાના ઉમરેઠી ગામના રહેવાસી કોન્ટ્રાક્ટર ગોવિંદભાઈ નારણભાઈ બારડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ટેન્ડર: વર્ષ 2024-25 દરમિયાન રાજકોટ રેન્જના કાર્યક્ષેત્ર હેઠળ આવતા આણંદપર બાઘી વિડી વિસ્તારમાં બાઉન્ડ્રી વોલ બનાવવા માટેનું સરકારી ટેન્ડર ગોવિંદભાઈ બારડને મંજૂર થયું હતું.
ગેરરીતિ: ટેન્ડરની નિયમ મુજબની સિક્યુરિટી ડિપોઝિટ પેટે આરોપીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (તાલાળા શાખા)ની ₹5,91,517 ની ખોટી અને અસલી હોય તેવી બનાવટી FD રસીદ ઊભી કરી હતી.
છેતરપિંડી: આ બનાવટી FD રસીદને મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષકની કચેરીમાં સાચા દસ્તાવેજ તરીકે જમા કરાવી દેવામાં આવી હતી.ટેન્ડર પ્રક્રિયા દરમિયાન રજૂ કરાયેલા દસ્તાવેજોની ચકાસણી (ખરાઈ) વખતે વન વિભાગના અધિકારીઓને શંકા ગઈ હતી. ઊંડાણપૂર્વક તપાસ કરતા બેંક FD બોગસ હોવાનું ખૂલ્યું હતું.હાલ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આરોપી ગોવિંદભાઈ બારડ સામે બનાવટી દસ્તાવેજો બનાવવા અને તેનો સાચા તરીકે ઉપયોગ કરવા અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ બોગસ FD ક્યાં અને કેવી રીતે તૈયાર કરવામાં આવી તેમજ આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.


