MORBI:મોરબી વનાળીયામાં કૌટુંબિક કાકાએ ભત્રીજાની હત્યા કરી; ગાળો બોલવાની ના પાડતા છરીના ઘા ઝીંક્યા





MORBI:મોરબી વનાળીયામાં કૌટુંબિક કાકાએ ભત્રીજાની હત્યા કરી; ગાળો બોલવાની ના પાડતા છરીના ઘા ઝીંક્યા

મોરબી: જિલ્લાના વનાળીયા ગામમાં નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. શેરીમાં ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા એક કૌટુંબિક કાકાએ પોતાના જ ૨૬ વર્ષીય ભત્રીજા પર છરી વડે જીવલેણ હુમલો કરી તેની કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

વનાળીયા ગામની સ્કૂલ વાળી શેરીમાં રહેતા મહેશ ગોરધનભાઈ રાઠોડ (ઉં.વ. ૨૬) ના કૌટુંબિક કાકા સુરેશ કાનજી રાઠોડ શેરીમાં ઉભા રહીને ગાળાગાળી કરી રહ્યા હતા. આ દરમિયાન ભત્રીજા મહેશે તેમને જાહેરમાં ગાળો ન બોલવા માટે સામાન્ય ઠપકો આપ્યો હતો. પોતાના જ ભત્રીજાએ ઠપકો આપતા કાકા સુરેશ ઉશ્કેરાઈ ગયા હતા અને આવેશમાં આવી મહેશ પર છરી વડે તૂટી પડ્યા હતા.આરોપીએ મહેશના શરીરે છરીના ગંભીર ઘા ઝીંકી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવારના અંતે મહેશે દમ તોડતા આ કેસ હત્યામાં પલટાયો છે.યુવાનના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ મામલે મૃતકના પિતાએ આરોપી સુરેશ રાઠોડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીની અટકાયત કરવા અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યાછે.


