MORBI:મોરબીમાં મની ટ્રાન્સફરના ચાર્જના નજીવા ₹૧૭૦ માંગતા ગ્રાહક ઉશ્કેરાયો: વેપારી પર છરી વડે જીવલેણ હુમલો

MORBI:મોરબીમાં મની ટ્રાન્સફરના ચાર્જના નજીવા ₹૧૭૦ માંગતા ગ્રાહક ઉશ્કેરાયો: વેપારી પર છરી વડે જીવલેણ હુમલો
મોરબીના લીલાપરથી નવાગામ જતા રોડ પર આવેલી એક મોબાઈલની દુકાનમાં મની ટ્રાન્સફરના ચાર્જના નજીવા રૂપિયા બાબતે ગ્રાહક અને વેપારી વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો હતો. ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ વેપારીએ નિયમ મુજબનો ચાર્જ માંગતા જ ગ્રાહક ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી વડે વેપારી પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મૂળ બિહારના વતની અને હાલ મોરબીના વાવડી રોડ પર આવેલી ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા મુરારીકુમાર ભોગેન્દ્ર શર્મા (ઉ.વ. ૨૪) લીલાપર-નવાગામ રોડ પર “ક્રિષ્ણા મોબાઈલ એન્ડ ફેશન” નામની દુકાન ધરાવે છે. ગત રોજ તેઓ પોતાની દુકાને હાજર હતા ત્યારે આરોપી વિશાલભાઈ બાબુભાઈ જોગડીયા (રહે. લગધીરનગર, નવાગામ, મોરબી) તેમની દુકાને મની ટ્રાન્સફર કરાવવા માટે આવ્યો હતો.
વેપારી મુરારીકુમારે આરોપીના કહેવા મુજબ તેના ખાતામાં રૂ. ૧૭,૦૦૦/- સફળતાપૂર્વક ટ્રાન્સફર કરી આપ્યા હતા. ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વેપારીએ મુખ્ય રકમ રૂ. ૧૭,૦૦૦/- અને નિયમ મુજબનો મની ટ્રાન્સફર ચાર્જ રૂ. ૧૭૦/- ની માંગણી કરી હતી.
વેપારીએ માત્ર ૧૭૦ રૂપિયાનો નિયમિત ચાર્જ માંગતા જ ગ્રાહક વિશાલ જોગડીયા એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ઉશ્કેરાટમાં આવી પોતાની પાસે પેન્ટના નેફામાં છુપાવી રાખેલી તીક્ષ્ણ છરી બહાર કાઢી હતી અને વેપારીને જાનથી મારી નાખવાના ઈરાદે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં વેપારી મુરારીકુમારને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
હુમલાના પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપી નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ભોગ બનનાર વેપારી મુરારીકુમાર શર્માએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિશાલ બાબુભાઈ જોગડીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







