MORBI:મોરબીમાં ઘરકંકાસે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ: પતિએ પત્નીને બચકા ભરી જાનથી મારી નાખવાની ધમકી આપી, માતા-પિતા પર પણ કર્યો હુમલો




MORBI:મોરબીમાં ઘરકંકાસે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ: પતિએ પત્નીને બચકા ભરી જાનથી મારી નાખવાની ધમકી આપી, માતા-પિતા પર પણ કર્યો હુમલો

મોરબીના એસ.પી. રોડ પર આવેલ ફ્લોરા-૧૭ વિસ્તારમાં કૌટુંબિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ફોન ન ઉપાડવા બાબતે શરૂ થયેલા વિવાદમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર મારી, શરીરે બચકા ભરી તેમજ પોતાના જ માતા-પિતાને પણ ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના એસ.પી. રોડ પર આવેલ ફ્લોરા-૧૭ માં રહેતા ક્રિષ્નાબેન આકાશભાઈ જીવાણી (ઉં.વ. ૩૦) ના પતિ આકાશભાઈ ફોન ઉપાડતા ન હોવાથી પત્ની તેની તપાસ કરવા માટે ગઈ હતી. આ બાબતની અદાવત રાખીને ઉશ્કેરાયેલા પતિ આકાશ હરજીવનભાઇ જીવાણીએ ઘરે આવીને પત્ની સાથે ઝઘડો કર્યો હતો.ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે આરોપી પતિએ પત્ની ક્રિષ્નાબેનને ગાળો આપી, ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો અને અત્યંત ક્રૂરતાપૂર્વક ગળા તેમજ છાતીના ભાગે બચકા ભરી લીધા હતા. આટલેથી ન અટકતા, આરોપીએ વચમાં પડેલા પોતાના જ માતા-પિતા (જે ફરીયાદીના સાસુ-સસરા થાય છે) પર પણ હુમલો કરી તેમને ઈજાઓ પહોંચાડી હતી. અંતમાં આરોપીએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ હિંસક ઘટના અંગે ભોગ બનનાર પત્ની ક્રિષ્નાબેન જીવાણીએ પોતાના જ આરોપી પતિ આકાશ જીવાણી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.


