MORBI:મોરબીમાં વ્યાજખોરોનો આંતક વાવડી નજીક બેકરી સંચાલક અને અન્ય શખ્સો પર હુમલો ગાડી ચઢાવવાનો પ્રયાસ





MORBI:મોરબીમાં વ્યાજખોરોનો આંતક વાવડી નજીક બેકરી સંચાલક અને અન્ય શખ્સો પર હુમલો ગાડી ચઢાવવાનો પ્રયાસ


મોરબી: શહેરના સિટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ઉઘરાણીના નામે બે શખ્સોએ આતંક મચાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ શખ્સોએ દુકાન પર જઈ ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને હુમલો કરવાના ઈરાદે એક વ્યક્તિ પર ગાડી પણ ચડાવી દીધી હોવાના CCTV ફૂટેજ સામે આવતા ચકચાર મચી ગઈ છે.મયુરીબેન દિલીપભાઈ રૂપાલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, મહેશભાઈ ઉર્ફે લાલાભાઈ સવસેતા અને જગદીશ ઉર્ફે જાગો સવસેતા નામના બે શખ્સોએ તેમની દુકાને આવીને ધમાલ મચાવી હતી.

બળજબરીથી ઉઘરાણી: આરોપીઓએ મયુરીબેનના દીકરા જીતને “અમે તારી પાસે 30,000 માંગીએ છીએ” તેમ કહી ગાળો આપી હતી. જ્યારે પરિવારે જણાવ્યું કે વહીવટ પૂરો થઈ ગયો છે, ત્યારે આરોપીઓએ નિખિલ નામના યુવક પાસે પૈસા માંગતા હોવાનું કહી ધમકી આપી હતી અને દુકાન બંધ કરાવવા દબાણ કર્યું હતું. આ ઘટના દરમિયાન આરોપીઓએ એક વ્યક્તિ પર ગાડી ચડાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેના પુરાવા CCTVમાં કેદ થયા છે.નિખિલ અશોકભાઈ વામજાએ આક્ષેપ કર્યો છે કે, “અમે તમામ પૈસા ચૂકવી દીધા હોવા છતાં આ લોકો વારંવાર ધમકી આપે છે. 3 મહિના પહેલા પણ મહેશભાઈએ મને અને મારા પિતાને માર માર્યો હતો. આ ત્રીજી વખત છે જ્યારે તેઓએ આવી હરકત કરી છે.”ભોગ બનનાર પરિવારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ શખ્સો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને પોલીસ દ્વારા તેમનો ‘વરઘોડો’ કાઢવામાં આવે તેવી અમારી માંગ છે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે.મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આ મામલે ગંભીરતા દાખવી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.



