MORBI:મોરબીના મોડપર ગામે જૂની અદાવતમાં ઘરમાં ઘૂસી યુવક પર હુમલો




MORBI:મોરબીના મોડપર ગામે જૂની અદાવતમાં ઘરમાં ઘૂસી યુવક પર હુમલો: મહિલાઓ સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી

મોરબી તાલુકાના મોડપર ગામે અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખીને એક શખ્સે ઘરમાં આવી યુવક સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ ઘરમાં હાજર મહિલાઓ સાથે પણ ઝઘડો કરી, ધક્કામુક્કી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના મોડપર ગામે દેવીપૂજક વાસમાં રહેતા કાજલબેન અક્ષયભાઈ સોલંકીએ આરોપી ઓમદેવસિંહ મહીપતસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આશરે એકાદ મહિના પહેલા આરોપી ઓમદેવસિંહને ફરિયાદીના પતિ અક્ષયભાઈ સાથે ફોન પર કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખીને આરોપીએ અક્ષયભાઈને ફોન કરીને પીપળીયા ચાર રસ્તા ખાતે બોલાવ્યા હતા.જોકે, ફરિયાદીના પતિ પીપળીયા ચાર રસ્તા ન જતા ઉશ્કેરાયેલો આરોપી ઓમદેવસિંહ ફરિયાદીના ઘર પાસે ધસી આવ્યો હતો. ત્યાં આવીને તેણે બેફામ ગાળો ભાંડી ફરિયાદીના પતિને બે-ત્રણ લાફા મારી મૂઢ માર માર્યો હતો. આ દરમિયાન ઘરમાં હાજર અન્ય મહિલા આશાબેન વચ્ચે પડતા આરોપીએ તેમનું બાવડું પકડી, ધક્કો મારી નીચે પાડી દીધા હતા.હુમલો કર્યા બાદ આરોપીએ ધમકી આપતા કહ્યું હતું કે, “જો હવે પછી પીપળીયા માતાજીએ આવશો તો જાનથી મારી નાખીશ.”આ સમગ્ર મામલે કાજલબેન સોલંકીની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ઓમદેવસિંહ મહીપતસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.



