HALVAD:હળવદના સુંદરગઢમાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી લાઈનો: નોટબંધી જેવા દ્રશ્યો સર્જાયા







HALVAD:હળવદના સુંદરગઢમાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી લાઈનો: નોટબંધી જેવા દ્રશ્યો સર્જાયા


ચોમાસાની શરૂઆત થતાં જ ખેડૂતો વાવણીના કામમાં પરોવાયા છે, પરંતુ હળવદ તાલુકાના સુંદરગઢ ગામેથી ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. સુંદરગઢ અને તેની આસપાસના ગામોના ખેડૂતો અત્યારે ડીઝલ મેળવવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. પેટ્રોલ પંપ પર સર્જાયેલી આ ભીડ જોઈને સ્થાનિકોને વર્ષો પહેલાંની ‘નોટબંધી’ના દિવસો યાદ આવી ગયા છે.

હાલ ખેડૂતોને કપાસ, મગફળી સહિતના મહત્વના પાકોની વાવણી કરવાની તાતી જરૂરિયાત છે. ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો ચલાવવા માટે ડીઝલ અનિવાર્ય છે. સુંદરગઢના પેટ્રોલ પંપ પર આસપાસના ગામોમાંથી ૨૦૦થી વધુ ખેડૂતો ડીઝલ લેવા માટે ઉમટી પડ્યા છે. ખેડૂતોનો આક્રોશ છે કે, “ડીઝલ વગર વાવણી થઈ શકે નહીં, અને જો સમયસર પાક ઊગશે જ નહીં, તો માલ બજાર સુધી પહોંચશે કેવી રીતે?”
નિયમોને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
પેટ્રોલ પંપ પર હાલ ખેડૂતોને માત્ર ₹૨,૦૦૦નું જ ડીઝલ આપવામાં આવી રહ્યું હોવાની બૂમો ઊઠી છે. આ અંગે ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે:
“અમારે દરરોજ ₹૪,૦૦૦થી વધુના ડીઝલની જરૂરિયાત રહે છે. માત્ર ૨,૦૦૦ રૂપિયાના ડીઝલમાં અમારું ટ્રેક્ટર પૂરતું ચાલી પણ શકતું નથી. આ મર્યાદાના કારણે અમારે રોજ લાઈનમાં ઊભા રહેવું પડે છે, જેનાથી અમારો કિંમતી સમય બગડે છે અને વાવણી મોડી થઈ રહી છે.”

હવે જોવાનું એ રહે છે કે તંત્ર અને પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા ખેડૂતોની આ ગંભીર સમસ્યાનો ઉકેલ ક્યારે લાવવામાં આવે છે, જેથી જગતનો તાત સમયસર પોતાની વાવણી પૂરી કરી શકે.



