
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ઉધઈ લાગી હોય તેમ જણાઈ રહ્યું છે. આહવા તાલુકાની મહાલપાડા ગ્રામ પંચાયત હેઠળ આવતા સેન્દ્રીઆંબા ગામમાં હાલમાં ચાલી રહેલા નાળાના નિર્માણમાં સરપંચ અને જવાબદાર તલાટીકમ મંત્રીની ઘોર બેદરકારી સામે આવી છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે અહીં વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચારનો ‘એકડો’ ઘૂંટાઈ રહ્યો છે.સરકારી નિયમો મુજબ, કોઈપણ નાળા કે કલવર્ટનું કામ કરતી વખતે ચોક્કસ ગુણવત્તાવાળું મટેરીયલ, રેતી, કપચી અને નિર્ધારિત માત્રામાં સિમેન્ટનું કોંક્રીટ મિશ્રણ વાપરવાનું હોય છે. જોકે, સેન્દ્રીઆંબામાં વાસ્તવિકતા કંઈક અલગ જ છે. સ્થળ પરથી પ્રાપ્ત થયેલા ફોટાઓમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, નાળાના પાયામાં અને દીવાલોમાં યોગ્ય કોંક્રીટિંગ કરવાને બદલે મોટા પથ્થરો ઠાલવી દેવામાં આવ્યા છે. આ પથ્થરો પર સિમેન્ટનું માત્ર પાતળું પડ ચઢાવીને કામ પૂરું કરી દેવાની પેરવી કરવામાં આવી રહી હોય તેવું જણાઈ રહ્યું છે.નિમ્ન કક્ષાના મટેરીયલ અને લોલમલોલ ચાલતા આ કામને કારણે નાળાની મજબૂતી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જો આ જ પ્રકારે કામ ચાલુ રહ્યું તો આગામી ચોમાસામાં પાણીના પ્રવાહ સામે આ નાળું ટકી શકશે નહીં. નાળું તૂટવાની સ્થિતિમાં ગામનો સંપર્ક તૂટી શકે છે અથવા ખેતરોમાં પાણી ફરી વળતા ગ્રામજનોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે.સરકારી તિજોરીમાંથી ખર્ચાતા લાખો રૂપિયાનો આ રીતે વેડફાટ થતો જોઈ સેન્દ્રીઆંબાના ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.સરપંચ અને તલાટીકમ મંત્રી તથા કોન્ટ્રાક્ટરનાં મેળાપણામાં અહી ગુણવત્તાના ધોરણો જાળવવામાં આવ્યા નથી. અને સ્થળ પર હાજર રહેવા જોઈતા ટેકનિકલ સુપરવાઈઝર કે એન્જિનિયરોની ગેરહાજરીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે તેવી ચર્ચા પણ જોવા મળી રહી છે.વિકાસના નામે માત્ર કાગળ પર કામો દર્શાવી ભ્રષ્ટાચારની સીમા પાર કરવામાં આવી છે તેવું જણાઈ રહ્યું છે.ત્યારે ઉચ્ચ કક્ષાએથી આ કામની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.જે પથ્થરો ઠાલવવામાં આવ્યા છે તેનું પંચનામું કરી, જવાબદાર સરપંચ,તલાટીકમ મંત્રી અને કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તથા જે અધિકારીઓની રહેમરાહ હેઠળ આ કામ ચાલી રહ્યું છે તેમની સામે પણ કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.હવે જોવાનું એ રહે છે કે ડાંગ વહીવટી તંત્ર આ ગંભીર બેદરકારી સામે આંખ આડા કાન કરે છે કે પછી ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ કરે છે તે જોવુ જ રહ્યુ..




