MORBI:મોરબીમાં જનકલ્યાણ શિબિરનું આયોજન, નાગરિકોને એક જ સ્થળે મળશે વિવિધ સરકારી સેવાઓ.







MORBI:મોરબીમાં જનકલ્યાણ શિબિરનું આયોજન, નાગરિકોને એક જ સ્થળે મળશે વિવિધ સરકારી સેવાઓ.


૧૨ અને ૧૩ જૂને અલગ-અલગ વોર્ડ માટે કેમ્પ યોજાશે: યોજનાઓ, પ્રમાણપત્રો અને નાગરિક પ્રશ્નોના સ્થળ પર નિરાકરણની વ્યવસ્થા.

મોરબી: રાજ્ય સરકારના જનકેન્દ્રિત શાસનના અભિગમને વધુ અસરકારક બનાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા ૧૨ અને ૧૩ જૂનના રોજ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વોર્ડના નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી વિભાગોની સેવાઓ, માર્ગદર્શન અને અરજીઓની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં ઉપલબ્ધ કરાવવા જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૧૨/૦૬ના રોજ વોર્ડ નં.૧,૭,૮,૯,૧૦,૧૧ અને ૧૨ માટે શનાળા રોડ સ્થિત સરદારબાગ પાછળના કમ્યુનિટી હોલ ખાતે જ્યારે તા.૧૩/૦૬ના રોજ વોર્ડ નં.૨,૩,૪,૫,૬ અને ૧૩ માટે વેજીટેબલ રોડ ઉપર આવેલા પંચમુખી હનુમાન મંદિર ખાતે શિબિર યોજાશે. બંને દિવસ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી કેમ્પ કાર્યરત રહેશે.શિબિરમાં વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન, આવક, જાતિ અને નિવાસના પ્રમાણપત્રોની પ્રક્રિયા, કૃષિ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગની સેવાઓ, ઘરેલું વીજ જોડાણ, ગેસ કનેક્શન, બેન્કિંગ સેવાઓ, આરોગ્ય અને સામાજિક સુરક્ષા યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ મ્યુનિસિપલ સેવાઓ સંબંધિત અરજીઓ સ્વીકારવામાં આવશે. ઉપરાંત નાગરિકોની સમસ્યાઓ અને રજૂઆતોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને જરૂરી દસ્તાવેજો સાથે કેમ્પમાં હાજરી આપી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અને પોતાની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે આ શિબિરનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.


