MORBI:મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનમાં રક્તદાનનો રેકોર્ડ: ૫,૫૫૧+ બોટલ લોહી એકત્રિત, કેમ્પ આજે પણ લંબાવાયો




MORBI:મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનમાં રક્તદાનનો રેકોર્ડ: ૫,૫૫૧+ બોટલ લોહી એકત્રિત, કેમ્પ આજે પણ લંબાવાયો

મોરબી તાલુકાના જેતપર ગામે પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ વિરોધ પ્રદર્શનની સાથે માનવતાનું એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આંદોલનના ભાગરૂપે જેતપર ગામે યોજાયેલા રક્તદાન કેમ્પને જનતા તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, જેમાં અંદાજે ૫,૫૫૧ બોટલથી વધુ લોહી એકત્રિત કરવામાં આવ્યું છે.

દિવસભર અને મોડી રાત સુધી ચાલેલા આ મહાકેમ્પમાં ખેડૂતો, યુવાનો અને સામાજિક કાર્યકરોની લાંબી કતારો જોવા મળી હતી. રાત્રિના સમયે રક્તદાતાઓનો ધસારો એટલો બધો વધી ગયો હતો કે બ્લડ બેંક પાસે ઉપલબ્ધ બ્લડ બેગ, સોય અને અન્ય તબીબી સામગ્રી ખૂટી પડી હતી. આ અણધારી સ્થિતિને કારણે અનેક ઉત્સાહી દાતાઓને રક્તદાન કર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું.
અપેક્ષા કરતાં અનેકગણો વધારે પ્રતિસાદ મળવાને કારણે સામગ્રીની અછત સર્જાતા જેતપરના ગ્રામજનો અને આગેવાનોએ રક્તદાતાઓની જાહેરમાં માફી માંગી હતી.
કેમ્પ વધુ એક દિવસ લંબાવાયો (આજે પણ ચાલુ રહેશે) હજુ પણ મોટી સંખ્યામાં રક્તદાતાઓના નામ વેઈટિંગ લિસ્ટમાં હોવાથી અને લોકોમાં ભારે ઉત્સાહ જોતા, ગ્રામજનોએ આ રક્તદાન કેમ્પને આજરોજ (ગુરુવારે) પણ ચાલુ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
જે ખેડૂત ભાઈઓ અને અન્ય સેવાભાવી નાગરિકો બુધવારે જરૂરી મેડિકલ સામગ્રીના અભાવે રક્તદાન કરી શક્યા નહોતા, તેઓ આજે ગુરુવારે ફરી આ કેમ્પમાં આવીને રક્તદાન કરી શકશે. હાલમાં પણ રક્તની બોટલોની અંતિમ ગણતરી ચાલી રહી છે અને આ આંકડો હજુ પણ મોટો થાય તેવી પૂરી સંભાવના છે.


