HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના નવા માલણીયાદ ગામે શ્રમિક પતિએ પત્નીની દાતરડાના ઘા ઝીંકી હત્યા કરી!

 

HALVAD:હળવદના નવા માલણીયાદ ગામે શ્રમિક પતિએ પત્નીની દાતરડાના ઘા ઝીંકી હત્યા કરી!

 

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામની સીમમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. વાડીમાં મજૂરી કામ કરતા શ્રમિક દંપતી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આવેશમાં આવેલા પતિએ પોતાની જ પત્ની પર દાતરડા વડે જીવલેણ હુમલો કરી ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી છે. હત્યા કર્યા બાદ આરોપી પતિ ભાગવાને બદલે આખી રાત પત્નીની લાશ પાસે જ બેસી રહ્યો હોવાની ચોંકાવનારી વિગત પણ પ્રકાશમાં આવી છે.

મળતી વિગતો મુજબ, નવા માલણીયાદ ગામની સીમમાં આવેલી મગનભાઈ ભગવાનભાઈની વાડી (જે અન્ય વ્યક્તિએ ઉધડ રાખેલી છે) માં મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વતની માસુડીબેન વર્ષીભાઈ નાયક (ઉંમર વર્ષ 55) તેમના પતિ વર્ષીભાઈ જાડીયાભાઈ નાયક, દીકરા અને દીકરાની વહુ સાથે રહીને ખેતમજૂરી કરતા હતા. ગઈકાલે મોડી સાંજે કોઈ અગમ્ય કારણોસર પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ગુસ્સા પરનો કાબૂ ગુમાવી ચૂકેલા પતિ વર્ષીભાઈ નાયકે પત્ની માસુડીબેનને છાતીના ભાગે દાતરડાનો ઘા ઝીંકી દીધો હતો. ગંભીર ઈજાના પગલે માસુડીબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ ગુનામાં સૌથી વધુ ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે રાત્રે પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ ત્યાંથી ફરાર થવાને બદલે પાપના પસ્તાવા કે અન્ય કોઈ કારણોસર આખી રાત મૃતક પત્નીની લાશ પાસે જ બેસી રહ્યો હતો. જ્યારે વાડી ઉધડ રાખનાર વ્યક્તિ વાડીએ પહોંચ્યો ત્યારે આ લોહીયાળ ખેલ જોઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે તાત્કાલિક ગામના અગ્રણીઓને અને હળવદ પોલીસને આ અંગે વાકેફ કર્યા હતા.બનાવની જાણ થતાં જ હળવદ પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક મહિલા માસુડીબેનના શવને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ મામલે હળવદ પોલીસે આરોપી પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી, તેને રાઉન્ડઅપ કરવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. ખેતમજૂર દંપતીના આ કરુણ અંજામને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Back to top button
error: Content is protected !!