HALVAD:હળવદમાં જમીન પચાવી પાડવાનું કૌભાંડ!

HALVAD:હળવદમાં જમીન પચાવી પાડવાનું કૌભાંડ!
હળવદ તાલુકાના કવાડીયા ગામે વર્ષ ૧૯૯૦માં અવસાન પામેલા અને અવિવાહિત (કુંવારા) કાકાનું બોગસ પેઢીનામું બનાવી, કરોડોની કિંમત ધરાવતી જમીન પર કબજો જમાવી બેંકમાંથી લાખો રૂપિયાની લોન ઉપાડી લેવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આ કૌભાંડ આચરનાર મહિલા સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર, કવાડીયા ગામે રહીને ખેતીકામ કરતા મશરૂભાઈ તીકુભાઈ લોદરીયા (ઉં.વ. ૩૬) નામના યુવકે તેમના જ ગામના ચંપાબેન દેવજીભાઈ કોળી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી મશરૂભાઈના કાકા અવચરભાઈ (જેમના લગ્ન થયા ન હતા) નું ૧૯૯૦માં અવસાન થયું હતું. આરોપી ચંપાબેને કવાડીયા ગામની સર્વે નંબર ૨૬૫ પૈકી ૩૬ વાળી કરોડોની જમીનમાં પોતાનું નામ દાખલ કરાવવાના મેલા ઈરાદાથી આ આખું કૌભાંડ રચ્યું હતું.
ખોટું સોગંદનામું: આરોપી ચંપાબેને મરણ જનાર અવચરભાઈ તથા તેમના વારસદારો અંગેનું તદ્દન ખોટું સોગંદનામું તૈયાર કર્યું હતું.બોગસ મરણના દાખલા: જીવા ગ્રામ પંચાયતમાંથી અવચરભાઈ અને અન્ય વારસદારોના ખોટા મરણના દાખલા કઢાવવામાં આવ્યા હતા.ખોટો પેઢીઆંબો: આ કાગળો કવાડીયાના તલાટી સમક્ષ રજૂ કરી બોગસ પેઢીઆંબો (પેઢીનામું) બનાવી જમીનમાં પોતાનું નામ દાખલ કરાવી દીધું હતું.બેંકમાંથી ધિરાણ: જમીન પોતાના નામે કર્યા બાદ મહિલાએ આ જમીન પર કૃષિવિષયક ધિરાણ મેળવી રૂપિયા ૭,૯૦,૦૦૦/- નો બોજો પણ ચડાવી દીધો હતો.આ સમગ્ર કૌભાંડ બહાર આવતા ફરિયાદી મશરૂભાઈ લોદરીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







