MORBI:મોરબી સિમેન્ટ કૌભાંડની જેમ આમાં પણ ‘ભીનું સંકેલાશે’? હાજરી કૌભાંડ મુદ્દે કમિશનરને રજૂઆત.







MORBI:મોરબી સિમેન્ટ કૌભાંડની જેમ આમાં પણ ‘ભીનું સંકેલાશે’? હાજરી કૌભાંડ મુદ્દે કમિશનરને રજૂઆત.


મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કમિશનરને પત્ર લખી તટસ્થ તપાસની માંગ કરી; અગાઉની રજૂઆતો પર પગલાં ન લેવાતા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા.
મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં એક મોટું હાજરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવી છે. મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી ગંભીર આક્ષેપો કર્યા છે કે, વર્કશોપ વિભાગના રોજમદારોએ પરસ્પરની મિલીભગતથી ઇલેક્ટ્રિક એટેન્ડન્સ મશીનમાં ખોટી રીતે હાજરી પુરાવી લાખો રૂપિયાનો પગાર મેળવી લીધો છે.

રજૂઆતમાં જણાવ્યા અનુસાર, વર્કશોપ વિભાગમાં ફરજ બજાવતા અમુક રોજમદારો અન્ય કર્મચારીઓની ગેરહાજરીમાં તેઓની ‘ખોટી આંગળીઓ અને અંગૂઠા’ લગાવી (બાયોમેટ્રિક ચેડાં કરીને) મશીનમાં હાજરી નોંધાવતા હતા. આ રીતે જે કર્મચારીઓ હાજર ન હોય તેમનો પણ પગાર ઉપાડી લેવામાં આવતો હતો. આ કૌભાંડ લાંબા સમયથી ચાલતું હોવાનું અને તેમાં અંદાજે લાખો રૂપિયાની નાણાકીય ઉચાપત થઈ હોવાનું અનુમાન છે.
પુષ્પરાજસિંહ જાડેજાએ પત્રમાં તંત્રની કામગીરી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે: ભૂતકાળના કિસ્સા: અગાઉ સિમેન્ટની થેલીઓ પથ્થર બની જવાના મામલે કમિશનરે સમિતિ બનાવી તપાસની ખાતરી આપી હતી, જેનું હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. રજૂઆતોનું પરિણામ શૂન્ય: આવાસ યોજના, નંદીઘર અને કલમ ૪૫-ડી બાબતે કોંગ્રેસ દ્વારા અગાઉ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી.”અગાઉના પ્રકરણોની જેમ આ કૌભાંડમાં પણ ‘ભીનું સંકેલવાની’ કોશિશ ન થાય અને જવાબદારો સામે તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.” – પુષ્પરાજસિંહ જાડેજા (પ્રમુખ, મોરબી શહેર કોંગ્રેસ) હવે જોવાનું એ રહે છે કે મહાનગરપાલિકાના કમિશનર આ ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સામે કેવા પગલાં ભરે છે. તે જોવાનું રહ્યું




