MALIYA (Miyana):માળિયાના સરવડ ગામે સામાન્ય બોલાચાલીમાં મોરબીના વેપારીની કારમાં તોડફોડ; ફરિયાદ નોંધાઈ





MALIYA (Miyana):માળિયાના સરવડ ગામે સામાન્ય બોલાચાલીમાં મોરબીના વેપારીની કારમાં તોડફોડ; ફરિયાદ નોંધાઈ

માળિયા તાલુકાના સરવડ ગામે ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે એક શખ્સે ઉશ્કેરાઈ જઈ વેપારીની કારમાં લાકડાના ધોકા અને પથ્થર વડે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ સરવડ ગામના વતની અને હાલ મોરબીના સરદાર નગર-૨ વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષીય વેપારી નિલેશભાઈ દુર્લભજીભાઈ શેરસીયા પોતાના વતન સરવડ ગયા હતા. તે સમયે ગામમાં રહેતો આરોપી ચિરાગભાઈ રમેશભાઈ ગામી નિલેશભાઈના માતા-પિતા અને કાકા-કાકીને ગાળો આપી રહ્યો હતો.
વેપારી નિલેશભાઈએ આ રીતે ગાળો બોલવાની ના પાડતા આરોપી ચિરાગ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે નિલેશભાઈ તથા તેમના સાથીદારને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આટલેથી ન અટકતા, આરોપીએ શેરીમાં પાર્ક કરેલી નિલેશભાઈની ગ્રે કલરની સ્વીફ્ટ VDI કાર (નંબર – RJ-03-FK-3197) પર લાકડાના ધોકા અને પથ્થરોના ઘા કર્યા હતા. આ હુમલામાં કારના કાચ અને બોડીના ભાગે મોટું નુકસાન થયું હતું.આ અંગે નિલેશભાઈ શેરસીયાએ માળિયા પોલીસ સ્ટેશનમાં ચિરાગ રમેશભાઈ ગામી વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી આરોપી વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



