MALIYA (Miyana):માળિયા હાઈવે પર ગાડી સામ-સામે આવી જવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે ધારીયા-ધોકા ઉછળ્યા







MALIYA (Miyana):માળિયા હાઈવે પર ગાડી સામ-સામે આવી જવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે ધારીયા-ધોકા ઉછળ્યા


માળિયા હાઈવે પર આવેલી વિશાલ હોટેલ પાસે નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથો વચ્ચે મોટો ઝઘડો થયો હતો. ગાડીઓ વડે એકબીજાનો ફિલ્મી ઢબે પીછો કરી, યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે માળિયા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, માળિયા મિયાણાના વાડા વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા રફિકભાઈ કાદરભાઈ જેડા (ઉ.વ. ૨૬) ને આરોપી મોશીન નુરાલીભાઈ મોવર સાથે અગાઉ સામ-સામે ગાડી આવી જવા બાબતે માથાકૂટ થઈ હતી. આ જૂના મનદુઃખનો ખાર રાખીને જ્યારે રફિકભાઈ અને તેમનો સાથી નવાબ સ્કોર્પીયો ગાડી લઈને વિશાલ હોટેલ પર ચા પીવા ગયા હતા, ત્યારે હુમલાખોરોએ હુમલો કર્યો હતો.
ફરિયાદ મુજબ, આરોપી મોશીન પોતાની ક્રેટા ગાડી (નંબર GJ-36-AF-2029) સાથે ત્યાં પહોંચ્યો હતો અને ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ અન્ય આરોપી ફારૂક થાર ગાડી (નંબર GJ-36-AC-4710) લઈને ત્યાં ધસી આવ્યો હતો. જીવ બચાવવા માટે સાથી નવાબ સ્કોર્પીયો લઈને ભાગ્યો હતો, જ્યારે આરોપી ફારૂકે પોતાની થાર ગાડી પૂરઝડપે ચલાવી રફિકભાઈને હડફેટે લઈ ઈજા પહોંચાડી હતી. આટલેથી ન અટકતા, આરોપીએ રિવર્સમાં ગાડી લઈને સ્કોર્પીયોને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું.
ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે આરોપીઓ મોશીન, ફારૂક, વીરમ અને નવાઝ ક્રેટા તેમજ થાર ગાડીઓમાં ધોકા, છરી અને ધારીયા જેવા જીવલેણ હથિયારો સાથે નવાબને મારવા માટે તેનો પીછો કર્યો હતો. આ અંગે રફિકભાઈના કાકા ઈસ્માઈલભાઈએ પણ સમગ્ર હકીકત જણાવી હતી.
રફિકભાઈ જેડાએ આ મામલે મોશીન નુરાલીભાઈ મોવર, ફારૂક નુરાલીભાઈ મોવર, નુરાલી આમદભાઈ મોવર, વિરમભાઈ નુરાલીભાઈ મોવર અને નવાજ ડાડા મોવર વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાયોટિંગ અને જાનથી મારી નાખવાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


