MALIYA (Miyana): માળીયા (મી.) તાલુકાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલ પોલીસ ટીમ પર હિચકારો હુમલો
MALIYA (Miyana): માળીયા (મી.) તાલુકાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલ પોલીસ ટીમ પર હિચકારો હુમલો
માળીયા(મી) તાલુકાના ખીરઈ ગામે બુટલેગર ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવરના ઘરે દરોડો પાડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થવાની ઘટનાએ સમગ્ર મોરબી જીલ્લામાં ચકચાર મચાવ્યો છે, બુટલેગર તથા તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવેલ હુમલામાં પાંચ પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા બે પોલીસકર્મીઓને મોરબીની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસે હુમલાખોર સાત મહિલા સહિત ૧૦ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, બીજીબાજુ બુટલેગરના ઘરમાંથી દેશી દારૂ અને દારૂ બનાવવાના સાધનો પણ જપ્ત કર્યા છે. હુમલા બાદ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ ચલાવી છે.
માળીયા પીઆઈ આર.સી. ગોહિલની આગેવાની હેઠળ પોલીસ ટુકડી મોડી રાત્રે ખીરઈ ગામમાં નામચીન બુટલેગર ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવરના ઘરે દેશી દારૂ અંગે દરોડો પાડવા પહોંચી હતી. આ દરમ્યાન બુટલેગર અને તેના પરિવારના સભ્યો દ્વારા પોલીસ ટીમ ઉપર પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં માળીયા પોલીસ મથકના પો.કોન્સ.ફતેહસિંહ પરમાર, વનરાજસિંહ બાબરીયા, જયપાલસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ પરમાર અને મુમાભાઈ રબારી સહિતની પોલીસ ટીમને ઇજાઓ પહોંચી હતી.
આ હુમલામાં બે પોલીસકર્મીઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત અન્ય પોલીસકર્મીઓનું પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર ચાલી રહી છે. પોલીસે આ હુમલાના આરોપીઓ વિરુદ્ધ ફરજમાં રુકાવટ અને રાજ્ય સેવકની હત્યાની કોશિશ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં આરોપીઓ ઈકબાલ ઉર્ફે ઈકો હાજીભાઈ મોવર, હાજીભાઈ ઓસામાણભાઈ, યુસુફ અલ્લારખા, સારબાઈ હાજીભાઈ મોવર, નશીમબેન અલ્લારખા સંધવાણી, મુમતાજ અનવરભાઈ ભટી, આઈસા રફીકભાઈ મોવર, નજમાબેન ઈકબાલ મોવર, અનીષા ઈકબાલભાઈ મોવર અને યુસુફભાઈ સંધવાણી શામેલ છે.
પોલીસે માળીયા(મી)ગામમાં રાત્રે જ કડક સર્ચ ઓપરેશન ચલાવ્યુ હતું, જેમાં ડીવાયએસપી સમીર સારડા, એલસીબી પીઆઈ પંડ્યા અને માળીયા પોલીસની દસ અલગ-અલગ ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસ તપાસમાં ઈકબાલ મોવરના તાળા મારેલા મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો મુદામાલ અને ધોકા, પાઈપ, ધરિયા જેવા તીક્ષ્ણ હથિયારો પણ મળી આવ્યા હતા.