MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીમાં હાઈવે પર દિવસદહાડે સનસનાટી: મની ટ્રાન્સફરના યુવાનને આંતરી 8 લાખની લૂંટ

 

MORBI મોરબીમાં હાઈવે પર દિવસદહાડે સનસનાટી: મની ટ્રાન્સફરના યુવાનને આંતરી 8 લાખની લૂંટ

 

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર સરતાનપર રોડ નજીક સોમવારે બપોરે દિવસદહાડે ફિલ્મી અંદાજમાં લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્વીફ્ટ કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ એક્ટિવા પર જઈ રહેલા મની ટ્રાન્સફરના વ્યવસાયી યુવાનને ઇરાદાપૂર્વક ટક્કર મારી નીચે પછાડી દીધો હતો અને ત્યારબાદ છરી વડે હુમલો કરી અંદાજે ₹8 લાખની રોકડ રકમ લૂંટીને ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માણેકવાડાના નિવાસી ફારૂકભાઈ રજાકભાઈ સુમરા (ઉં.વ. ૨૬), જેઓ મની ટ્રાન્સફરનું કામ કરે છે, તેઓ ઉઘરાણીની આશરે દસેક લાખ રૂપિયાની રકમ લઈને પોતાના એક્ટિવા પર જઈ રહ્યા હતા. બપોરે લગભગ ૨:૦૦ વાગ્યાના અરસામાં તેઓ સરતાનપર રોડ પર લોનિક્સ સિરામિક નજીક પહોંચ્યા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી એક સ્વીફ્ટ કારના ચાલકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.

કારની ટક્કર વાગતા જ ફારૂકભાઈ રોડ પર પટકાયા હતા. આ દરમિયાન કારમાંથી તાત્કાલિક ત્રણ શખ્સો નીચે ઉતરી આવ્યા હતા અને છરી બતાવીને રોકડ ભરેલો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. ભોગ બનનાર યુવાને હિંમતપૂર્વક લૂંટારૂઓનો સામનો કર્યો અને પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં લૂંટારૂઓ અંદાજે ₹8 લાખની રોકડ રકમ પડાવીને પળવારમાં કારમાં બેસીને રફુચક્કર થઈ ગયા હતા.

બોગસ નંબર પ્લેટની શંકા: ઘટનામાં વાપરવામાં આવેલી સ્વીફ્ટ કાર પર લગાવેલી નંબર પ્લેટ નકલી હોવાની પ્રબળ આશંકા છે.

હિન્દીભાષી ગેંગ: પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે લૂંટ ચલાવનારા શખ્સો હિન્દી ભાષા બોલી રહ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ મોરબી જિલ્લા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. એસ.પી. સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો અને લૂંટારૂઓને પકડી પાડવા માટે જિલ્લાભરના તમામ એક્ઝિટ પોઈન્ટ્સ પર ચુસ્ત નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે. હાલમાં ઇજાગ્રસ્ત યુવાનની પૂછપરછ અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દિવસદહાડે હાઇવે નજીક બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Back to top button
error: Content is protected !!