12%થી વધુ આલ્કોહોલવાળી દવા મેડિકલ સ્ટોરના કાઉન્ટર પર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ખુલ્લેઆમ વેચી શકાશે નહીં.

દેશમાં કફ સિરપ અને હેલ્થ ટોનિકનો નશાના રૂપમાં થઈ રહેલા ગેરઉપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મોટું અને અત્યંત કડક પગલું ભર્યું છે. સરકારે ડ્રગ્સ રૂલ્સ, 1945માં મોટો સુધારો કરીને વધુ પ્રમાણમાં આલ્કોહોલ ધરાવતી આવી તમામ પ્રવાહી (ઓરલ લિક્વિડ) દવાઓને ‘શેડ્યૂલ H1’ (Schedule H1) કેટેગરીમાં મૂકી દીધી છે. સરકારના આ ઐતિહાસિક નિર્ણય બાદ હવે આવી દવાઓ મેડિકલ સ્ટોરના કાઉન્ટર પર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ખુલ્લેઆમ વેચી શકાશે નહીં.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, જો કોઈ પ્રવાહી દવા બે મુખ્ય શરતો પૂરી કરતી હશે, તો તે હવેથી કડક દેખરેખના દાયરામાં આવી જશે. પ્રથમ શરત એ છે કે જે દવા 30 mlથી મોટી પેકિંગમાં આવતી હોય અને બીજી શરત એ કે જેમાં ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ 12%થી વધુ હોય. આ બંને માપદંડો હેઠળ આવતી તમામ સિરપ અને ટોનિકને હવેથી ‘શેડ્યૂલ H1’ની યાદીમાં સામેલ કરી દેવાઈ છે. આ એ જ સંવેદનશીલ યાદી છે જેમાં ઊંઘની ગોળીઓ અને ભારે પેઇનકિલર્સ રાખવામાં આવે છે.
નવા કાયદા અંતર્ગત સરકારે ‘શેડ્યૂલ K’માં પણ મોટો ફેરફાર કર્યો છે. અગાઉ આ કેટેગરી હેઠળ કેટલીક દવાઓને નિયમો અને વેચાણમાં જે વિશેષ છૂટ મળતી હતી, તે હવે 30 mlથી મોટી અને 12%થી વધુ આલ્કોહોલ ધરાવતી ઓરલ દવાઓ પર લાગુ પડશે નહીં. આ ફેરફાર પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય આવી દવાઓના ઉત્પાદનથી લઈને મેડિકલ સ્ટોરના કાઉન્ટર સુધીની આખી સપ્લાય ચેઈન પર બાજ નજર રાખવાનો છે.
અત્યાર સુધી મેડિકલ સ્ટોર્સ પર કફ સિરપ કે ટોનિક કોઈપણ પૂછપરછ વગર સરળતાથી મળી જતા હતા, પરંતુ હવે ‘શેડ્યૂલ H1’માં આવી જવાથી નિયમો સંપૂર્ણ બદલાઈ જશે. હવેથી ગ્રાહકે આ દવા ખરીદવા માટે ફરજિયાત ડૉક્ટરનું લખાણ બતાવવું પડશે. આ ઉપરાંત, દુકાનદારે આ દવા કોને વેચી તેનો સંપૂર્ણ રેકોર્ડ રાખવો પડશે અને કંપનીઓએ બોટલ પર ચેતવણીનું લેબલ લગાવવું પણ અનિવાર્ય બનશે. યુવાધનમાં નશાના દૂષણને અટકાવવા માટે આ પગલું લેવાયું છે.
આ કડક નિયમનો ડ્રાફ્ટ ઓક્ટોબર 2025માં જ જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને વાંધા સૂચનો માટે 30 દિવસનો સમય અપાયો હતો. જોકે, કોઈ વાંધો ન આવતા સરકારે ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ સાથે ચર્ચા કરીને તેને કાયદાનું સ્વરૂપ આપી દીધું છે. ગેઝેટમાં પ્રકાશિત થયાના 6 મહિના બાદ આ નવો નિયમ દેશભરમાં અમલી બનશે, એટલે કે અંદાજે જાન્યુઆરી 2027થી આ અંગેની કડકાઈ શરૂ થઈ જશે. ત્યાં સુધીમાં દવા કંપનીઓ અને વેપારીઓએ પોતાની પેકિંગ અને વેચાણની પદ્ધતિ બદલવાની રહેશે.




