MORBI:વીજ લાઈન વળતર મામલે મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે પત્રકાર પરિષદ યોજી: ખેડૂતોના હિતમાં ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે સંવાદ માટે સરકાર તૈયાર




MORBI:વીજ લાઈન વળતર મામલે મોરબી કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે પત્રકાર પરિષદ યોજી: ખેડૂતોના હિતમાં ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે સંવાદ માટે સરકાર તૈયાર

ખેડૂતો ગેરમાર્ગે ન દોરાય અને પ્રશ્નોનો સુખદ ઉકેલ આવે તે માટે ખુલ્લા મનથી ચર્ચા કરવા રાજ્ય સરકારનું ખેડૂતોને આમંત્રણ; ટેકનિકલ અને કાયદાકીય પાસાંઓ વિચારી ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવા તંત્ર પ્રતિબદ્ધ
મોરબી જિલ્લામાં વીજળીના થાંભલા નાખવા અને તેના વળતર અંગે ખેડૂત સમિતિ દ્વારા ચાલી રહેલી રજૂઆતોના સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતો અને વહીવટી તંત્ર બંને વચ્ચે સુમેળભર્યા વાતાવરણમાં પ્રશ્નનો કાયમી અને હકારાત્મક ઉકેલ લાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

કલેક્ટરશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ખેડૂતોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર રાજસ્થાન સહિત અન્ય રાજ્યોની તુલનામાં ઉદાર અને ખુલ્લા મનથી યોગ્ય નિર્ણય કરવા ઈચ્છે છે. આ બાબતમાં કેટલાક ટેકનિકલ અને કાયદાકીય પાસાંઓ સંકળાયેલા હોવાથી, ચર્ચા અને સંવાદ જ એકમાત્ર ઉત્તમ માધ્યમ છે. અગાઉ પણ ખેડૂત સમિતિના સભ્યો અને આગેવાનો સાથે રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્યોની ટેલિફોનિક અને રૂબરૂ ચર્ચાઓ થઈ ચૂકી છે, જેને આગળ ધપાવીને પ્રશ્નોને આખરી ઓપ આપવા સરકાર તત્પર છે.
રાજ્ય સરકાર વતી ખેડૂત કમિટી અને આગેવાનોને સંવાદ માટે આમંત્રણ પાઠવતા કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, ખેડૂતો કોઈપણ પ્રકારના અસમંજસમાં ન રહે અને ગેરમાર્ગે ન દોરાય તે આપણી સામૂહિક જવાબદારી છે. ખેડૂતોને કોઈપણ બાબતમાં મુશ્કેલી ન ભોગવવી પડે તે માટે વહીવટી તંત્ર કાયદાના દાયરામાં રહીને ખેડૂતોની લાગણીઓને વાચા આપશે. આ પ્રશ્નનો ટૂંક સમયમાં જ ચર્ચા-વિચારણા દ્વારા બંને પક્ષે સ્વીકાર્ય હોય તેવો લોકહિતનો સુખદ સમન્વય સાધવામાં આવે તે માટેના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે તેવું કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.



