MORBI:રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે મોરબી જિલ્લાના લખધીરગઢ પ્રા. શાળાના જીવતીબેન પીપલિયાનું સન્માન




MORBI:રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે મોરબી જિલ્લાના લખધીરગઢ પ્રા. શાળાના જીવતીબેન પીપલિયાનું સન્માન

મોરબી જિલ્લા કક્ષાએ ટંકારા તાલુકાના મેઘપર ગામની શાળાના શિક્ષકશ્રી સોલંકી હેતલબેનનું સન્માન
ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી શિક્ષણ પ્રણાલી સરકારી શાળાઓમાં ઉભી કરતા આપણા ગૌરવશાળી શિક્ષકો

મોરબી જિલ્લામાં અનેક શિક્ષકો શિક્ષણ ક્ષેત્રે સર્વ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. ત્યારે ચાલો આ વર્ષે મોરબી જિલ્લાનું પ્રતિનિધત્વ કરી રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન તથા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન પ્રાપ્ત કરનાર મોરબી જિલ્લાના ગૌરવરૂપ શિક્ષકોના પરિચય મેળવીએ કે જેમના જેવા અનેક આદર્શ શિક્ષકો થકી મોરબી જિલ્લાનું શિક્ષણ ક્ષેત્ર વધુ ને વધુ ઉજ્જવળ બની રહ્યું છે.
રાજ્યકક્ષાએ સન્માનિત મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકશ્રી જીવતીબેન બચુભાઈ પીપલિયા, મદદનીશ શિક્ષક/ લખધીરગઢ પ્રા. શાળા, દાખલ તારીખ: ૨૪/૦૧/૨૦૨૪ કે જેમને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર સી.આર.સી કક્ષાએ, તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, શ્રેષ્ઠ B.L.O. એવોર્ડ જિલ્લા કક્ષાએ, નારી ગરિમા એવોર્ડ, માતૃશક્તિ સન્માન, શ્રેષ્ઠ લેખક સન્માન શિક્ષક, નવદુર્ગા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા, શિક્ષક રત્ન એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. તેમજ કર્મા ફાઉન્ડેશન અને ગુજરાતી બુક ક્લબ દ્વારા મહિલા લેખિકાઓને પ્રોત્સાહન આપવાના શુભ આશય સાથે મારા પ્રથમ બાળગીત પુસ્તક ‘ પરીબાઈની પાંખે’ બાળગીત સંગ્રહને સન્માન માટે પસંદ કરવામાં આવ્યું છે. તેમની શાળાને શ્રેષ્ઠ એસ. એમ. સી. એવોર્ડ પુરસ્કાર મળ્યો છે. દર માસે એક રવિવાર – શ્રમયોગી પરિવારના વાલીઓ સાથે સંવાદ તેમજ કચાશ અનુભવતા પ્રિય બાળકોને રમતાં રમતાં શીખવાનો નાનકડો પ્રયાસ, દરરોજ શાળા છૂટ્યાં પછી (પાંચથી છ)લખધીરગઢ ગામની બહેનોને રોગ મુજબ યોગ શીખવે છે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષા (૨૦૨૩)પાસ કરી, યોગ ટ્રેનરનું સર્ટિફિકેટ ૫૨ વર્ષની ઉંમરે મેળવેલ છે.
૨૦૨૦ કોરોના કાળમાં આખું જગત થંભી ગયું હતું એ સમયે મળેલ અવકાશમાં કલમ હાથમાં પકડી, આફતને અવસરમાં બદલી. તેમના ૮ પુસ્તક પ્રકાશિત થયાં છે, ત્રણ પુસ્તકને સાહિત્ય અકાદમીએ મંજૂર કરી આર્થિક સહાય પણ આપી છે. ‘પરીબાઈની પાંખે’ બાળગીતસંગ્રહ, ‘હાથીદાદાની જય હો’ બાળવાર્તાસંગ્રહ, ‘નટખટ’ (કૃષ્ણ જીવનચરિત્ર), ‘દેશથી પરદેશ સુધી’ કાવ્યસંગ્રહ સંપાદન, ‘પર્યાવરણથી પ્રીત, સાચી જીવન રીત’ કાવ્યસંગ્રહ સંપાદન, ‘ઝળહળતા તારલા’ – ૧૦૮ કવિ પરિચય, ‘જાદુઈ જપ્પી’ – બાળવાર્તાસંગ્રહ, ‘આવો, કહું એક વાર્તા’ બાળવાર્તાસંગ્રહ પુસ્તકો સંપાદિત કર્યા છે.
મોરબી જિલ્લા કક્ષાએ સન્માનિત મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક શ્રીમતી સોલંકી હેતલબેન કાંતિલાલ, છેલ્લા ૧૫ વર્ષથી મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમજ છેલ્લા ૩ વર્ષથી BLO તરીકે અને ૧ વર્ષથી આચાર્ય તરીકે પણ ફરજ બજાવે છે. શાળાની ઉન્નતિનો આધાર તેમના શિક્ષકો ઉપર રહેલો છે. માટે ટીમ વર્ક દ્વારા શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે પણ સતત કાર્ય કરતા રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપ શાળા શૈક્ષણિક અને આર્થિક બાબતે સક્ષમ બની છે.
તેમના અથાગ પ્રયાસોથી વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૫ સુધી ખેલ મહાકુંભમાં બાળકો અથલેટિક્સ તેમજ ખો-ખો જેવી રમતોમાં રાજ્યકક્ષાએ પહોંચ્યાં. કલા મહાકુંભમાં વર્ષ ૨૦૨૨, ૨૦૨૪ અને ૨૦૨૫ માં રાસ અને એક પાત્ર અભિનયમાં જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. મેઘપર ઝાલાના બાળકો શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે તેમજ બાહ્ય પરીક્ષાઓમાં પણ ઉત્કૃષ્ઠ પરિણામ મેળવી રહ્યા છે. કન્યા કેળવણી, મહિલા સશક્તિકરણ તેમજ વ્યસન મુક્તિની પણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આજે મેઘપર ઝાલામાં એક પણ દીકરી શિક્ષણથી વંચિત નથી અને એક પણ બાળક પ્રાઇવેટ સ્કૂલમાં જતો નથી જે શાળા પરિવાર માટે ગૌરવ ની વાત છે.
આવા આદર્શ અને શ્રેષ્ઠ શિક્ષકશ્રીઓની મહેનત અને અથાગ પ્રયત્નો થકી આજે ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી શિક્ષણ પ્રણાલી સરકારી શાળાઓમાં ઉપબ્ધ બની છે.




