
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી, તા.29 જુલાઈ : સમગ્ર કચ્છ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં મલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો નીકળવાના શરૂ થઈ ગયા છે. આરોગ્ય તંત્ર દ્વારા વેક્ટર નિયંત્રણના સઘન પ્રયાસો છતાં, કેટલીક ગંભીર અવગણનાઓને કારણે રોગચાળાનો વ્યાપ વધી રહ્યો છે. તંત્ર હવે કડક કાર્યવાહી કરવા માટે સજ્જ બન્યું છે અને લોકોને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરી રહ્યું છે.
મજૂરોની આરોગ્ય તપાસ અને નોંધણીનો અભાવ: રોગચાળાનું નવું સ્ત્રોત તાજેતરમાં કચ્છના અમુક તાલુકાઓમાં દેશભરના મજૂરોનો મોટા પાયે આવરોજાવરો જોવા મળે છે. તંત્રના ધ્યાનમાં આવ્યું છે કે અનેક કંપનીઓ દ્વારા બહારથી લાવવામાં આવતા મજૂરોની આરોગ્ય તપાસ કરાવવામાં આવતી નથી. આ ઉપરાંત, તેમની પોલીસ નોંધણી ફરજિયાત હોવા છતાં તેની અવગણના થાય છે. આવા મજૂરોમાં તાવના કેસ વધતા અને તપાસ કરતા ડેન્ગ્યુ/મલેરિયાના અહેવાલો સામે આવી રહ્યા છે, જે રોગચાળાના નવા સ્ત્રોત બની રહ્યા છે.તાજેતરમાં કચ્છની એક ખાનગી કંપનીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અધિકૃત ઓળખ કાર્ડ હોવા છતાં મજૂરોની તપાસ માટે અંદર પ્રવેશી શક્યા ન હતા. આ ઘટનાને જિલ્લાકક્ષાની મીટિંગમાં પણ ગંભીરતાથી લેવામાં આવી હતી. તંત્રની અધિકૃત ટીમોને રોકવી એ ગેરકાયદેસર જ નહીં, પરંતુ રોગ અને રોગવાહક બંને હાજર હોય ત્યારે રોગચાળો ફેલાવવા માટે આવી કંપનીઓની સીધી જવાબદારી બને છે.રોગચાળાના ફેલાવા પાછળ નવા પ્લોટોમાં ભરાયેલું પાણી, ઘરની છત, ટાંકીઓ અને નકામા વાસણોમાં જમા થતું પાણી પણ મુખ્ય કારણભૂત છે. ટાયર અને ભંગારની દુકાનોમાં પણ પાણી ભરાવાનું પ્રમાણ વધુ છે. દુકાનદારો સહકાર આપવાને બદલે દાદાગીરી કરતા હોવાના આક્ષેપો પણ તંત્રને મળ્યા છે.
૧૦૯ અધિકારીઓ “ઇન્સ્પેક્ટિંગ ઓફિસર” તરીકે નિયુક્ત : કડક દંડ અને જેલની જોગવાઈ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ જિલ્લા વિકાસ અધિકારીની સંમતિથી આરોગ્ય તંત્રના ૧૦૯ અધિકારીઓને “ઇન્સ્પેક્ટિંગ ઓફિસર” તરીકે નિયુક્ત કર્યા છે. હવે કોઈ પણ સ્થળે કાયદાનું ઉલ્લંઘન થશે તો આઈ.પી.સી.ની કલમ ૧૮૮ હેઠળ રૂપિયા ૧,૦૦૦નો દંડ અને/અથવા છ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે.તંત્રની અપીલ: સહકાર આપો, નહિ તો કાયદો કામે લાગશે! આરોગ્ય તંત્ર દ્વારા નીચે મુજબની તાત્કાલિક કાર્યવાહી અને સહકારની અપીલ કરવામાં આવે છે: ઉદ્યોગ સંચાલકો/કોન્ટ્રાકટ : તાત્કાલિક પોતાના મજૂરોની આરોગ્ય તપાસ અને પોલીસ નોંધણી કરાવે.
જાહેર જનતા : કોઈ પણ અધિકૃત આરોગ્ય અધિકારીને તેમની ફરજપાલનમાં અવરોધ ન પાડે.
પ્લોટ, દુકાન, ઘર, મકાનધારકો: પોતાની માલિકીની જગ્યાએ પાણી ન ભરાય તે માટે યોગ્ય પગલાં લે.
અન્યથા, રોગચાળો ફેલાવવો એ “સામૂહિક આરોગ્ય સામે ગુનો” ગણવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કલેક્ટરને અપીલ:આ ગંભીર ઘટનાઓને ધ્યાનમાં રાખી, કચ્છ જિલ્લાના માનનીય કલેક્ટર ને ઉદ્યોગો સાથે બેઠક બોલાવી, તેમને જાહેર માર્ગદર્શિકા આપવા વિનંતી કરવામાં આવી છે. વર્તમાન પરિસ્થિતિમાં “સરકારી તંત્રને સહકાર નહીં આપવો” એ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી અને તંત્ર આ મુદ્દે કોઈ પણ બાંધછોડ નહીં કરે એવું જાણવા મળે છે.












