MORBI:લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા જેતપર (મ) હાઈસ્કૂલ ખાતે સ્વચ્છતા અને વ્યસન મુક્તિ અભિયાન યોજાયું

MORBI:લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા જેતપર (મ) હાઈસ્કૂલ ખાતે સ્વચ્છતા અને વ્યસન મુક્તિ અભિયાન યોજાયું
કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહેલા વ્યસન અને નશા મુક્તિ અભિયાન અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા મોરબી તાલુકાની શ્રીમતી છબીબેન મહાદેવભાઈ જાકાસણીયા (સી. એમ. જાકાસણીયા) હાઈસ્કૂલ, જેતપર (મ) ખાતે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ‘સ્વચ્છતા તથા વ્યસન અને નશા મુક્તિ અભિયાન’ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં લાયન પરસોત્તમભાઈ કાલરિયાએ વ્યસનની સ્પષ્ટ વ્યાખ્યા આપતા જણાવ્યું હતું કે સમાજની દરેક વ્યક્તિમાં સુટેવ અને કુટેવ રૂપી વ્યસનો હોય છે, પરંતુ કુટેવથી થતા વ્યસનોથી દૂર રહેવું જરૂરી છે. તેમણે તંદુરસ્ત પરિવાર અને સમાજ ઉત્થાન માટે તમામ પ્રકારના વ્યસનોથી મુક્ત રહેવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ત્યારબાદ પૂર્વ પ્રમુખ લાયન ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાએ “જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા”નું સૂત્ર આપી વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ગુટખા, તમાકુ, બીડી, દારૂ અને ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોનું સેવન કરવાથી શારીરિક, માનસિક અને આર્થિક બરબાદી થાય છે તેમજ કેન્સર જેવા ભયાનક રોગોને આમંત્રણ મળે છે. યુવાનો એ ઘર અને દેશનું ભવિષ્ય હોવાથી યુવાધનને બરબાદ થતું અટકાવવા માટે વ્યસનમુક્ત રહેવું અનિવાર્ય છે.
કાર્યક્રમ દરમિયાન લાયન ટી. સી. ફુલતરિયાએ શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તથા લાયન્સ ક્લબના સભ્યોને નશા અને વ્યસન મુક્તિ માટેના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ખજાનચી લાયન મણીલાલ જે. કાવર તરફથી શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રી સંજીવભાઈ જાવિયાએ તમામ લાયન્સ સભ્યોનું શાબ્દિક સ્વાગત અને સન્માન કર્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે મહેન્દ્રભાઈ સોનગ્રાએ આભારવિધિ કરી હતી.આ પ્રોજેક્ટમાં લાયન્સ ક્લબના પ્રમુખ લાયન જગદીશભાઈ ડી. કાવર, પાસ્ટ પ્રમુખો લાયન કેશુભાઈ દેત્રોજા, લાયન અમરશીભાઈ અમૃતિયા, લાયન અમિતભાઈ એસ. સુરાણી તેમજ શાળાના સમગ્ર સ્ટાફની પ્રેરક ઉપસ્થિતિ રહી હોવાનું સેક્રેટરી લાયન નાનજીભાઈ મોરડીયાની યાદીમાં જણાવાયું છે.











