MORBI:મોરબી નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરી દ્વારા બિયારણની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ
MORBI:મોરબી નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરી દ્વારા બિયારણની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ
આગામી ચોમાસુ સિઝનમાં ખેડુતો દ્વારા રાસયણીક ખાતર તથા બિયારણની ખરીદી ચાલુ કરાશે ત્યારે આગામી વર્ષમાં ઉત્પાદન સારૂ મળે તે માટે ખેડૂતોએ અત્યારથી જ તૈયારી ચાલુ કરવી પડશે. તે માટે સૌ પ્રથમ જરૂરી છે સારા સર્ટીફાઇડ કે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત બિયારણની પસંદગી, જો બિયારણની પસંદગીમાં ખેડુત થાપ ખાય તો આખુ વર્ષ નુકસાનીનુ જાય છે. બિયારણ હંમેશા સારી ગુણવતાવાળુ, આજુબાજુના વિસ્તારમાં સારા પરિણામો મળ્યા હોય તેવું જાણીતું તથા જોયેલું હોય તેવું, જમીનને અનુરૂપ વહેલી, મધ્યમ કે મોડી જાત તથા પાણીની સગવડતા મુજબનું અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો.
બિયારણ સગા-સબંધી કે ફેરીયાઓ કે વચેટીયા પાસેથી બીલ વગર ક્યારેય ખરીદ ન કરવુ જેથી છેતરપીંડીનો અવકાશ ન રહે. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં આજ રીતે રાસાયણિક ખાતર કે ઓર્ગેનીક ખાતરની ખરીદીમાં પણ સાવધાની રાખવી જરૂરી છે. સબસીડીવાળા ખાતર આધારકાર્ડ તથા ફિંગરપ્રીંટ સિવાય મળતા નથી. જેથી હંમેશા જ્યા પી.ઓ.એસ. મશીન સુવિધા હોય તેવા સરકાર માન્ય ડિલરો પાસેથી બીલથી જ ખરીદી કરવી જોઇએ, થેલી પર ઉર્વરક કે ફર્ટીલાઇઝર શબ્દ લખેલો હોવો જોઇએ.
જમીન સુધારકોના નામે વેચાતી પ્રોડક્ટ ખાતર હોતી નથી આથી આવી કંપની તથા ખાતરના ભળતા નામે વેચાતી પ્રોડક્ટ ક્યારેય ખરીદ કરવી જોઇએ નહી. અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) ને તુરંત જાણ કરવા મોરબી નાયબ ખેતી નિયામક(વિ.)ની યાદીમાં જણાવાયું છે.