MORBI મોરબી દીકરીઓ માટે ‘સુરક્ષા કવચ’: ગર્ભાશયના મુખના કેન્સર સામે HPV રસીકરણનો રાષ્ટ્રવ્યાપી અભિયાન







MORBI મોરબી દીકરીઓ માટે ‘સુરક્ષા કવચ’: ગર્ભાશયના મુખના કેન્સર સામે HPV રસીકરણનો રાષ્ટ્રવ્યાપી અભિયાન


સરકારના જન સુરક્ષાના મંત્ર સાથે આરોગ્ય વિભાગ દ્વારા ૧૪ વર્ષની દીકરીઓ માટે રક્ષણાત્મક રસી નિઃશુલ્ક ઉપલબ્ધ
મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ

નારી શક્તિના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સર્વોપરી ગણતી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) ના નિર્મૂલન માટે એક ક્રાંતિકારી કદમ ઉઠાવવામાં આવ્યું છે. આગામી સમયમાં સમગ્ર દેશની સાથે મોરબી જિલ્લામાં પણ ૧૪ વર્ષની વયની કિશોરીઓ માટે ‘HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ’ અભિયાન શરૂ છે અને દીકરીઓને રસી અપાઈ રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રવ્યાપી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શરૂ કરાવેલ આ રાજ્યવ્યાપી ‘HPV રસીકરણ’ અભિયાન તંદુરસ્ત દીકરી, તંદુરસ્ત પરિવારના મંત્ર સાથે વિકસિત ભારતના નિર્માણ માટે માત્ર એક તબીબી પ્રક્રિયા નહી, પરંતુ આવતીકાલની પેઢીને સુરક્ષિત રાખવાનું એક મહાઅભિયાન છે.
મોરબી જિલ્લામાં અંદાજે ૯,૫૦૦ જેટલી દીકરીઓને આ રસી આપવાનું ભગીરથ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા એક ‘સ્ટ્રેટજીક એક્શન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ૧૪ વર્ષ પૂર્ણ કરનાર (પરંતુ ૧૫ વર્ષ પૂર્ણ ન કર્યા હોય તેવી) દીકરીઓની ઓળખ માટે આશા કાર્યકરો દ્વારા ‘હેડ કાઉન્ટ સર્વેની કામગીરી પૂર્ણ કરી શાળામાં અભ્યાસ કરતી હોય કે શાળા બહારની, તમામ લક્ષિત દીકરીઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અથવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ રસી તદ્દન નિઃશુલ્ક આપવામાં આવી રહી છે.
નિષ્ણાત તબીબનું તારણ: શા માટે આ રસી અનિવાર્ય છે?
મોરબીના જાણીતા બાળ રોગ નિષ્ણાત ડો. મનીષ સનારીયા આ અભિયાનના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવે છે કે, “ભારતમાં સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગર્ભાશયના કેન્સરને અટકાવવા માટે HPV વેક્સિન એ એકમાત્ર અસરકારક શસ્ત્ર છે. આ રસી માત્ર સર્વાઇકલ કેન્સર જ નહીં, પરંતુ વજાઇનલ, એનલ અને એનોફેરેન્જિયલ સહિત કુલ ૬ પ્રકારના કેન્સર તેમજ કિશોરીઓમાં થતા મસા (Warts) સામે રક્ષણ આપે છે.”
વધુમાં ડો. સનારીયા ઉમેરે છે કે, “૧૪ થી ૧૫ વર્ષની વયના ગાળામાં જ આ રસી આપવાનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આ સમયે રસી આપવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિને ‘બુસ્ટર ડોઝ’ મળે છે અને ભવિષ્યમાં કેન્સર સામે મજબૂત લડત આપી શકાય છે. ખાનગી હોસ્પિટલોમાં અત્યંત ખર્ચાળ એવી આ રસી સરકાર દ્વારા હવે મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેનો લાભ દરેક વાલીએ લેવો જોઈએ”.

આ રસી સંપૂર્ણપણે સલામત અને લેબોરેટરીમાં પરીક્ષિત છે. જોકે, તકેદારીના ભાગરૂપે જે દીકરીઓ બીમાર હોય, અગાઉ કોઈ ગંભીર એલર્જી કે રિએક્શનની હિસ્ટ્રી હોય તેવી સ્થિતિમાં આ રસી આપવાની રહેશે નહીં. રસીકરણ માટે વાલીઓનું સંમતિ પત્રક અનિવાર્ય રાખવામાં આવ્યું છે જેથી પારદર્શિતા જળવાઈ રહે.
સોશિયલ મીડિયાના યુગમાં રસીકરણ અંગે ફેલાતી પાયાવિહોણી અફવાઓ પર ધ્યાન ન આપવા તબીબો અને તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિક તથ્યોને આધારે આ રસી દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે વરદાન સમાન છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ તમામ વાલીઓ, શાળા સંચાલકો અને સામાજિક અગ્રણીઓને આ રાષ્ટ્રીય કાર્યમાં સહભાગી થવા અને મોરબીની દીકરીઓને કેન્સરમુક્ત રાખવાના અભિયાનમાં સહકાર આપવા નમ્ર અપીલ કરી છે.



