Gondal: ગોંડલ તાલુકાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે “કારકિર્દી અને વ્યવસાયિક માર્ગદર્શન” સેમિનાર યોજાયો
તા.૧૮/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે કારકિર્દીલક્ષી માર્ગદર્શન શાળામાંથી મેળવે તે ઇચ્છનીય છે. આ સંદર્ભમાં વિવિધ કચેરીઓ દ્વારા શાળામાં “કારકિર્દી માર્ગદર્શક સેમિનાર” યોજવામાં આવતા હોય છે.
જે અંતર્ગત બી.આર.સી ભવન ગોંડલ, વ્યવસાયિક સંસ્થા અમદાવાદ (રાયખડ) જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,રાજકોટ તથા રોજગાર નિયામકની કચેરી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે ગોંડલ તાલુકાની મોંઘીબા હાઇસ્કૂલ તથા શેઠ આર.એ હાઇસ્કૂલ દેરડી ખાતે વિદ્યાર્થીઓમાં ધો.૧૦ અને ધો.૧૨ પછીના અભ્યાસક્રમો તથા કારકિર્દી માટે શાળાકીય અભ્યાસની સાથે-સાથે કારકિર્દી ધડતર અંગે જાગૃતિ આવે તે માટે કારકિર્દી અને વ્યવસાયિક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
આ તકે રોજગાર કચેરીના શ્રી રાજેશભાઈ ચૌહાણે રોજગારી કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ અનુબંધમ પોર્ટલ અંગે માહિતગાર કર્યા હતા. તેમજ રોજગારી માટેના વિવિધ ક્ષેત્રો અંગે જ્ઞાન આપ્યું હતું. વધુમાં શ્રી હમીરભાઇ ચૌહાણે વિદેશ અભ્યાસ અને પાસપોર્ટ કઢાવવા અંગેની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત શાળા સલાહકાર શ્રી ભાવનાબહેન ભોજાણીએ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ કારકિર્દી ઘડતર માટેના પ્રેરણાદાયી ઉદાહરણો આપીને સફળ થવાની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં ગોંડલના બી.આર.સી.કો.ઓ. શ્રી વિપુલભાઈ પાંચાણી, બી.આર.પી. શ્રી રજનીબેન આચાર્ય, મોંઘીબા હાઇસ્કૂલના આચાર્યશ્રી, શેઠ આર.એ.હાઇસ્કૂલના આચાર્યશ્રી તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.