MORBI મોરબીના માટેલ તાલુકા શાળામાં 127 વૃક્ષોનું વાવેતર, હરિયાળું ભવિષ્ય ઘડવાનો સંકલ્પ

MORBI મોરબીના માટેલ તાલુકા શાળામાં 127 વૃક્ષોનું વાવેતર, હરિયાળું ભવિષ્ય ઘડવાનો સંકલ્પ
પ્રસંગ પૂરતું નહીં, જતન સાથેનું વૃક્ષારોપણ જ સાચું પર્યાવરણ સંરક્ષણ
માટેલ: પર્યાવરણનું સાચું સંરક્ષણ માત્ર વૃક્ષારોપણના પ્રસંગો યોજવાથી નહીં, પરંતુ વાવેલા વૃક્ષોના સતત જતન અને સંવર્ધનથી જ શક્ય બને છે. આ વિચારને સાકાર કરતી માટેલ તાલુકા શાળાએ આ વર્ષે એલ એન્ડ ટી કન્સ્ટ્રક્શનના સહયોગથી શાળા પરિસરમાં 127 વૃક્ષોનું વાવેતર કર્યું છે.શાળાના આચાર્ય કિશોરભાઈ સરવૈયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષકો ખાંદલા વિનોદભાઈ, પટેલ મિત્તલબેન, પટેલ આશાબેન, માસ્ટર શ્વેતાબેન, પરમાર જીજ્ઞેશભાઈ અને કંડોળીયા મંજુલાબેન સહિત સમગ્ર સ્ટાફ તેમજ 713 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી તેમને વૃક્ષોના મહત્વ અને તેના જતન અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.આચાર્ય કિશોરભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે શાળામાં માત્ર વૃક્ષો વાવીને કામગીરી પૂર્ણ માનવામાં આવતી નથી, પરંતુ વર્ષભર તેનું નિયમિત જતન અને સંવર્ધન કરવામાં આવે છે. અગાઉના વર્ષોમાં શાળા પરિસરમાં કુલ 275 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કુદરતી હોનારતોને કારણે કેટલાક વૃક્ષો નાશ પામ્યા હોવા છતાં આજે 32 વૃક્ષો મજબૂત અને ઘટાદાર બની વિદ્યાર્થીઓને શીતળ છાંયો તથા સ્વચ્છ વાતાવરણ આપી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે કુદરતી આફતોને કારણે નુકસાન થવા છતાં શાળાએ વૃક્ષારોપણની કામગીરી ક્યારેય અટકાવી નથી. સતત જતન અને સંભાળના પરિણામે આગામી વર્ષોમાં વધુમાં વધુ વૃક્ષો મજબૂત બની હરિયાળું પરિસર ઉભું કરશે તેવી આશા સાથે આ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો, વિદ્યાર્થીઓ અને એલ એન્ડ ટીના પ્રતિનિધિઓએ વૃક્ષારોપણ સાથે સિંચાઈ અને જતનની કામગીરી પણ કરી હતી. માટેલ તાલુકા શાળાનો આ પ્રયાસ માત્ર વૃક્ષો વાવવાનો નહીં, પરંતુ નવી પેઢીમાં પ્રકૃતિપ્રેમ, પર્યાવરણ જાગૃતિ અને જવાબદારીનું સિંચન કરતો પ્રેરણાદાયી ઉપક્રમ બની રહ્યો છે.










