MORBI: મોરબી ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા AAP







MORBI:મોરબી ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા AAP


ખેડૂત આંદોલન મુદ્દે અવાજ દબાવવાની કોશિશ થઈ રહી હોવાનો AAP નેતા પંકજ રાણસરીયાનો આક્ષેપ
છ મહિના જૂનો અકસ્માત કેસ ફરી ખોલાતા AAP નેતા પંકજ રાણસરીયાના સવાલ
લોકહિતના મુદ્દે બોલવું શું ગુનો છે?: પંકજ રાણસરીયા AAP
અકસ્માત કેસમાં મારી કોઈ ભૂમિકા હોત તો ત્યારે જ બોલાવાયો હોત: પંકજ રાણસરીયા AAP
ખેડૂતોની લડાઈ ચાલુ રહેશે, નોટિસનો જવાબ પણ આપીશ: પંકજ રાણસરીયા AAP

આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરીયાએ એક ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયમાં હું અને મારી ટીમ સતત દોડી રહ્યા છીએ પરંતુ અમારા મોઢા બંધ કરાવવા માટે સરકારના અમુક આગેવાનો દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે. સમગ્ર ઘટના વિશે જણાવવા માંગુ છું કે, ડિસેમ્બર 2025માં કેનાલ પર આવેલા વિસ્તાર પાસે સ્કૂલ આવેલી હતી અને બાળકો એકસીડન્ટનો ભોગ ન બને એ માટે ત્યાં બમ્પ બનાવેલા હતા પરંતુ કોઈ રાજકીય આગેવાન મોરબીની મુલાકાતે હતા ત્યારે આ બમ્પને દૂર કરવામાં આવ્યા. ત્યારબાદ તેના સ્થાનિકો અનેક સ્કૂલ પ્રશાસન દ્વારા અવારનવાર બમ્પ બનાવવા માટે માંગણી કરવામાં આવી હતી કારણ કે એ વિસ્તારમાં અનેકવાર અકસ્માતની ઘટના ઘટી ચૂકી છે અને ભવિષ્યમાં આવી ઘટના રિપીટ ન થાય એ માટે બનાવવા માટે લોકોએ રજૂઆત કરી હતી. ત્યારબાદ 25 ડિસેમ્બર 2025ના રોજ રોડ અને બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટના લોકો ત્યાં આવ્યા હતા અને બમ્પ બનાવવાની કામગીરી કરતા હતા ત્યારે કેટલાક સ્થાનિકોએ મારું ધ્યાન દોર્યું કે બમ્પ ખૂબ જ ઊંચા બનાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ અમે રાત્રે ત્યાં પહોંચ્યા અને અમે રજૂઆત કરી કે અહીંયાથી અસંખ્ય વાહનો નીકળે છે માટે અહીંયા પ્લાસ્ટિકના નાના બમ્પ બનાવવામાં આવે અથવા જો ડામરના બનાવવા હોય તો થોડા નીચા બનાવવામાં આવે. પણ આવડત વગરના બમ્પ બનાવવામાં આવ્યા તેના કારણે ત્યાં અકસ્માત થયો હતો અને જે તે વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરીયાએ જણાવ્યું હતું કે, આ ઘટનાને છ મહિનાનો સમય થઈ ગયો છે અને જો આમાં અમારી કોઈપણ ભૂમિકા હોય તો પોલીસ વિભાગ અમને એ સમયે જ નોટિસ આપીને બોલાવી ચૂકી હોત પરંતુ પોલીસ તંત્ર દ્વારા આ કેસ બંધ કરી નાખવામાં આવ્યો. પરંતુ જ્યારે અમે ખેડૂતો માટે લડાઈ લડી રહ્યા છીએ, ત્યારે પોલીસ તંત્ર જાગ્યું હોય એમ આ કેસને ફરીથી રીઓપન કરવામાં આવ્યો. ત્યારબાદ કેસ મુદ્દે ગઈકાલે મને પોલીસ તરફથી એક નોટિસ મોકલવામાં આવી કે “તમારા પર આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ તમે બનાવેલ બમ્પ છે જેના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, તમારી પોલીસ સ્ટેશને હાજર રહીને નિવેદન આપવાનું છે.” મારો એ જ સવાલ છે કે જો એ સમયે મારી કોઈ ભૂમિકા હોત તો મને ત્યારે જ પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવ્યો હોત. માટે લાગી રહ્યું છે કે આ સ્પષ્ટપણે એક ઇશારો છે કે અમારો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે. ખેડૂતોની લડાઈમાંથી મને દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. શું લોકોના હિત માટે અવાજ ઉઠાવો એ કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ છે? અમારું પહેલું ફોકસ ખેડૂતો માટેની લડાઈ છે અને 15 તારીખના એ કાર્યક્રમ બાદ હું નિવેદન આપવા માટે ચોક્કસ જઈશ.


