MORBIMORBI CITY / TALUKO

MORBI:માનવતા અને પર્યાવરણનો સમન્વય: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા સેવાનો ત્રિવેણી સંગમ

MORBI:માનવતા અને પર્યાવરણનો સમન્વય: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા સેવાનો ત્રિવેણી સંગમ

 

મોરબી: સેવા પરમો ધર્મની ભાવનાને સાર્થક કરતા લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા કાળઝાળ ગરમીમાં પશુ-પક્ષીઓ અને માનવીઓ માટે અનેકવિધ સેવાકીય પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. પર્યાવરણ જતન અને માનવ સુવિધાના ઉમદા હેતુથી ક્લબ દ્વારા પક્ષીઘર, પીવાના પાણીના પરબિયા, સિમેન્ટના બાકડા અને ટ્રી-ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.

પક્ષીઓ માટે ‘શીતળ છાંયો’ અને પાણીની વ્યવસ્થા

વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને અબોલ પક્ષીઓની વ્હારે આવતા લાયન્સ ક્લબ દ્વારા ૧૦૦૦ ચકલા ઘર તથા ૧૦૦૦ માટીના પાણીના પરબિયાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણ અને જીવદયાનો સંદેશ ફેલાવવામાં આવ્યો છે.

જનસુવિધા માટે ૮૫ સિમેન્ટના બાકડાનું અર્પણ

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ અને ઉદારમન ધરાવતા દાતા લા. હરખજીભાઈ ટી. સુવારિયા ના સૌજન્યથી વિવિધ જાહેર સ્થળોએ કુલ ૮૫ સિમેન્ટના બાકડા મુકવામાં આવ્યા છે:

રાજપર (કુ): મુક્તિધામ અને શિવજી મંદિરમાં ૩૮ બાકડા.

સનાતન ધામ (નાનાભેલા): નિઃશુલ્ક પ્રાકૃતિક ઉપચાર કેન્દ્રમાં દર્દીઓના વિસામા માટે ૩૨ બાકડા.

અન્ય સ્થળો: મોરબી મામલતદાર કચેરીમાં ૫, રવાપર ઘુનડા રોડ પર ૭ અને તરઘરી ગામે ૩ બાકડા મુકાયા છે.

વૃક્ષારોપણ અને રક્ષણ માટે લોખંડના પીંજરા

પર્યાવરણની જાળવણી માટે માત્ર વૃક્ષો વાવવા જ નહીં પણ તેનું જતન કરવું પણ જરૂરી છે. આ ભાવના સાથે ટોબરીયા હનુમાનજી ગૌશાળાના સંચાલક હરખજીભાઈ સુવારિયાના દાનથી ૫૦ લોખંડના પીંજરા (ટ્રી-ગાર્ડ) નું વિતરણ કરાયું છે. જેમાંથી ૨૫ પીંજરા લજાઈ ખાતેના માનવ મંદિર (ભીમનાથ મહાદેવ સામે) અને બાકીના ૨૫ મોરબીના જાહેર પ્લોટો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવ્યા છે.

અગ્રણીઓની ઉપસ્થિતિ :આ સેવાકીય પ્રોજેક્ટ્સને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ લા. ત્રિભોવનભાઈ ફુલતરિયા, પૂર્વ ખજાનચી લા. મણીલાલ કાવર, લા. નાનજીભાઈ મોરડીયા અને ઝેડ.સી. લા. કેશુભાઈ દેત્રોજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની વિગતો સેક્રેટરી લા. કેશુભાઈ દેત્રોજા દ્વારા યાદીમાં જાહેર કરવામાં આવી છે.

લાયન્સ ક્લબની આ કામગીરીથી સમગ્ર મોરબી પંથકમાં પ્રમુખ હરખજીભાઈ સુવારિયા અને તેમની ટીમની સેવાકીય ભાવનાને બિરદાવવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!