MORBI – WAKANER મોરબી અને વાંકાનેર પોલીસની જુગારધામો પર સર્જિકલ સ્ટ્રાઈક: ૪ સ્થળે દરોડા પાડી ૧૬ જુગારીયા ઝડપાયા, ૬ ફરાર

MORBI – WAKANER મોરબી અને વાંકાનેર પોલીસની જુગારધામો પર સર્જિકલ સ્ટ્રાઈક: ૪ સ્થળે દરોડા પાડી ૧૬ જુગારીયા ઝડપાયા, ૬ ફરાર
મોરબી/વાંકાનેર:મોરબી જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે મોરબી એ ડિવિઝન, વાંકાનેર સીટી અને વાંકાનેર તાલુકા પોલીસ ટીમોએ સંયુક્ત રીતે અલગ-અલગ ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન પોલીસે વરલી-મટકા અને તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૬ ઇસમોને ઝડપી પાડ્યા છે, જ્યારે દરોડા દરમિયાન નાસી છૂટેલા ૬ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
૧. મોરબી લાતી પ્લોટમાં વરલી ફીચરનો દરોડો – મોરબી એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટ શેરી નંબર ૩ અને ૪ વચ્ચે જાહેરમાં ચાલી રહેલા વરલી ફીચરના જુગાર પર રેડ કરી હતી. ત્યાંથી અનવર ઇલ્યાસ કટિયા નામના ઇસમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તેની પાસેથી રૂ. ૨૧,૦૦૦ ની કિંમતના ૫ મોબાઈલ ફોન અને રૂ. ૫૦૦ ની રોકડ રકમ મળીને કુલ રૂ. ૨૧,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કેસમાં અન્ય બે આરોપી કાના મનીષ જોષી અને તારમામદ ઈસ્માઈલ જુનાણી હાજર નહીં મળી આવતા પોલીસે તેમને પકડવા તજવીજ શરૂ કરી છે.
૨. નાની બજારમાંથી ૯ જુગારીયા રોકડા રૂ. ૪૭,૧૦૦ સાથે પકડાયા એ ડિવિઝન પોલીસે બીજી રેડ નાની બજાર વિસ્તારમાં કરી હતી. જ્યાંથી જાહેરમાં જુગાર રમતા એજાજ મહેબુબ ચાનિયા, સોહિલ સલીમ બ્લોચ, આદીલ યુનુસ બ્લોચ, ગુલામહુશેન ફિરોઝ બ્લોચ, અકરમ મહેબુબ શાહમદાર, ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબ માયક, ઇમરાન યુસુફ તલાટ, હુશેન રફીક વડાવરીયા અને અલ્તાફ કાસમ કુરેશી નામના ૯ ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસ સ્ટાફે સ્થળ પરથી રૂ. ૪૭,૧૦૦ ની રોકડ રકમ જપ્ત કરી હતી. જ્યારે આરોપી મુસ્તાક દાઉદ દાવલીયા નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
૩. વાંકાનેર શક્તિપરામાં દરોડો: ૨ ઝબ્બે, ૩ ફરાર ત્રીજી રેડ વાંકાનેર સીટી પોલીસે શક્તિપરા સ્કૂલ પાછળ આવેલી શેરીમાં કરી હતી. જુગાર રમતા રાયસિંગ દિનેશ બાબરિયા અને આમીન મહેબુબ જેડાને રૂ. ૧૦,૮૦૦ ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જોકે, પોલીસને જોઈને રસીદ ઉર્ફે રઘુ બાબુભાઈ ચાવડા, સાહિલ હુશેન પીપરવાડિયા અને જાનમામદ ઉર્ફે જાનીયો આદમ સિંધી નામના ત્રણ આરોપીઓ નાસી છૂટ્યા હતા.
૪. ચોથી રેડ વાંકાનેર તાલુકા પોલીસે વિનયગઢ ગામની સીમમાં પાડી હતી. જ્યાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા જીતેશ જીવરાજભાઈ ધાડવી, ભૂપત માવજી મકવાણા, રમેશ માવજી ચૌહાણ અને મહેશ ધમા સારલાને રોકડા રૂ. ૨૫,૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે તમામ ચાર બનાવો અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર થયેલા ૬ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.









