પંચામૃત ડેરીમાં મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૨૮૫ કરોડના યુ.એચ.ટી. મિલ્ક પ્લાન્ટનું ખાતમુહૂર્ત

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગુજરાતના ૬૫માં સ્થાપના દિવસે પંચમહાલ જિલ્લામાં ડેરી ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસનો શુભારંભ થયો છે. ગુજરાત ગૌરવ દિવસ-૨૦૨૫ રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., પંચામૃત ડેરી,ગોધરા ખાતે અંદાજિત રૂ.૨૮૫ કરોડના ખર્ચે યુ.એચ.ટી. મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ પંચામૃત ડેરી ખાતેના કોર્પોરેટ બિલ્ડિંગમાં વિઝીટર ગેલેરીની મુલાકાત લઈ ગેલેરીમાં પ્રદર્શિત પંચામૃત ફ્રોઝન સિમેન સ્ટેશન, કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગ, ખાંડીયા કેટલફીડ પ્લાન્ટ, રીયરીંગ સેન્ટર ગમન, બારીયાના મુવાડા, અને માલેગાંવ પંચામૃત ડેરી પ્લાન્ટના માહિતીસભર ચિત્રો અને પ્રતિકૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીને પંચામૃત ડેરીની વિવિધ પ્રોડક્ટસ અંગે જાણકારી આપવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કોર્પોરેટ બિલ્ડિંગના ત્રીજા માળે બોર્ડરૂમ ખાતે પંચામૃત ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે બેઠક કરી હતી. શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સખત પરિશ્રમથી કોઇ ખાનગી સંસ્થા પ્રગતિના ઉચ્ચ શીખરો સર કરી શકે છે. પરંતું, જો સહકારી ક્ષેત્રે ડેરી જેવી સંસ્થાઓ પ્રગતિ કરે તો તેના લાભો ગામડાઓમાં વસતા છેવાડાના માનવી સુધી પહોંચે છે. ડેરી ઉદ્યોગના વિકાસથી ગુજરાત સમૃદ્ધિની હરણફાળ ભરી રહ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગ્રામ વિકાસ માટે સહકારિતા મહત્વનું પરિબળ અને પ્રવૃત્તિ છે.
આ પ્રસંગે તેમણે અત્યાધુનિક “ગૌશોર્ટ” સેક્સ સોર્ટેડ સીમેન ટેકનોલોજીના મશીનનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું હતુ. આ નૂતન ટેકનોલોજીથી પશુપાલન ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે.
પંચમહાલ દૂધ સંઘના વર્તમાન દૂધ સંપાદન અને પ્રોસેસિંગ ક્ષમતાને ધ્યાનમાં રાખીને, ગોધરા ખાતેના ડેરી પ્લાન્ટની ક્ષમતા વધારવાનું આવશ્યક બન્યું છે. વૈશ્વિક બજારોમાં “અમૂલ” બ્રાન્ડની વધતી માંગને પહોંચી વળવા અને મૂલ્યવર્ધિત ઉત્પાદનો દ્વારા વેચાણમાં વધારો કરવાના હેતુથી આ નવા પ્લાન્ટનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જિલ્લાના પ્રભારી અને શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને નાફેડ ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ, પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મિતેશ મહેતા, સીજીએમ શ્રી ચિરાગ પટેલ, શ્રી એફ.એસ. પુરોહિત, ડીજીએમ શ્રી એસ.પી પટેલ તથા નિયામક મંડળના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
——–






