MORBI:મોરબી ભારતીય મજદૂર સંઘ (BMS) દ્વારા વિવિધ ક્ષેત્રોના શ્રમિકોના પ્રશ્નો અંગે મોરબી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

MORBI:મોરબી ભારતીય મજદૂર સંઘ (BMS) દ્વારા વિવિધ ક્ષેત્રોના શ્રમિકોના પ્રશ્નો અંગે મોરબી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
મોરબી ભારતીય મજદૂર સંઘ (BMS) દ્વારા દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે મોરબી ખાતે શ્રમિકો અને કર્મચારીઓના પડતર પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી મારફતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ‘શ્રમિક હિત – રાષ્ટ્ર હિત’ના સૂત્ર સાથે BMS ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમીરભાઈ જોશી, મોરબી જિલ્લા પ્રમુખ શ્રી ડી. એન. ઝાલા તથા મોરબી જિલ્લા મંત્રી શ્રી પ્રણવભાઈ નલીનભાઇ ઠાકરની આગેવાની હેઠળ આ આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં વિવિધ ક્ષેત્રોના શ્રમિકોના મુખ્ય પ્રશ્નો અને માંગણીઓ રજૂ કરવામાં આવી હતી: આશા બહેનોનું કામ કાયમી પ્રકારનું હોવાથી આરોગ્ય વિભાગમાં કાયમી કરવા, લઘુત્તમ વેતન આપવા, ૨ વર્ષથી બાકી કોડ ડ્રેસ આપવા, ઓનલાઈન કામગીરી માટે ૫૦ સ્માર્ટફોન ફાળવવા તથા PMMVY અને આભા કાર્ડની બાકી ઇન્સેન્ટિવ રકમ ચૂકવવાની માંગ કરાઈ છે.
આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતન આપવા, દર વર્ષે ૧૦% પગાર વધારો કરવા, સીનિયોરિટી મુજબ પ્રમોશન આપવા, અન્ય કામગીરી ન સોંપવા, ખાલી જગ્યાઓ ભરી નિવૃત્તિ વય ૫૮ થી વધારી ૬૫ વર્ષ કરવા રજૂઆત કરાઈ છે.
લગ્ન પ્રસંગે ₹૨૦,૦૦૦ ની સહાય, ૬૦ વર્ષ પછી ₹૨,૦૦૦ માસિક પેન્શન, ઓનલાઈન અને ઓફલાઈન રજિસ્ટ્રેશન, બાંધકામ બોર્ડમાં કાયમી ભરતી, સેસની રકમ બોર્ડના ખાતામાં જમા કરવા તેમજ બોર્ડમાં સરકારી અધિકારીઓ ઉપરાંત શ્રમિક પ્રતિનિધિઓની નિમણૂક કરવાની માંગ કરી છે.
મધ્યાહન ભોજન યોજના: સંચાલકોને ‘શાળા પોષણ સહાયક’ જાહેર કરી ₹૩૦,૦૦૦ માસિક લઘુત્તમ વેતન આપવા, જૂથ વીમા યોજના તથા અકસ્માત કિસ્સામાં ₹૪,૦૦,૦૦૦ ની સહાય, નિવૃત્તિ વય ૬૨ વર્ષ બાદ તબીબી પ્રમાણપત્ર આધારિત સેવા ચાલુ રાખવા, સામાજિક સુરક્ષા કવચ અને દરેક રસોઈ શેડ માટે હાઇજેનિક કીટ આપવા વિનંતી કરાઈ છે.
ફિક્સ પગાર કર્મચારીઓ: રાજ્ય સરકાર, બોર્ડ અને કોર્પોરેશનમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા કર્મચારીઓનો સમયગાળો ઘટાડીને ૨ વર્ષ કરવા માગણી કરવામાં આવી છે.BMS ના હોદ્દેદારોએ આ તમામ શ્રમિક હિતના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તેવી આશા વ્યક્ત કરી છે.












