MORBI:મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે નેત્રમ CCTV ની મદદથી ચીલઝડપ કરનાર ભુજનો રીઢો ગુનેગાર મુદ્દામાલ સાથે ઝડપી લીધો







MORBI:મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે નેત્રમ CCTV ની મદદથી ચીલઝડપ કરનાર ભુજનો રીઢો ગુનેગાર મુદ્દામાલ સાથે ઝડપી લીધો


મોરબી શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે મોરબી જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય.બી. જાડેજાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ સતત કાર્યરત હતો. આ દરમિયાન સીટી એ-ડીવીઝન પોલીસ ટીમને એક મોટી સફળતા મળી છે, જેમાં ભુજ વિસ્તારના એક રીઢા ચેઈન સ્નેચરને મોટરસાયકલ અને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યો છે.

ગત તારીખ ૦૩/૦૬/૨૦૨૬ ના રોજ મોરબીના ખાટકીચોક પાસેથી ભક્તિનગર સોસાયટી (શનાળા રોડ) ખાતે રહેતા ફરિયાદી ભાવેશભાઈ વિનુભાઈ મહેતાના પત્ની પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી એક અજાણ્યા સ્પોર્ટ્સ બાઈક ચાલકે તેમના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી નાસી છૂટ્યો હતો.
આ બનાવને પગલે પોલીસે મોરબી શહેરમાં લગાવેલા ‘નેત્રમ’ પ્રોજેક્ટના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસ (બાતમીદારો) દ્વારા મોરબી સીટી એ ડીવીઝન સર્વેલન્સ સ્ટાફને પાકી બાતમી મળી હતી કે, આ ગુનામાં સંડોવાયેલો શખ્સ નંબર પ્લેટ વગરની શંકાસ્પદ યામાહા R15 મોટરસાયકલ સાથે શનાળા રોડ પરથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો.
ઝડપાયેલા આરોપી સરફરાજભાઈ ઉર્ફે ફેઝલ અબ્દુલભાઈ મંધરીયા (ઉં.વ. ૩૨, રહે. ભુજ કેમ્પ એરીયા, ચાવડી પોલીસ ચોકી પાસે) ની પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી કડક પૂછપરછ કરતા તેણે ખાટકીચોક વિસ્તારમાં સોનાના ચેઈનની ચીલઝડપ કરી હોવાની કબૂલાત આપી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તેનો મોટો ગુનાહિત ઇતિહાસ છે. તેની સામે અગાઉ ભુજ એ-ડીવીઝન અને ભુજ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કુલ ૧૧ ગુનાઓ (ચોરી, લૂંટ, મારપીટ અને છેડતી) નોંધાઈ ચૂક્યા છે.
કુલ રૂ. ૧.૩૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપી પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ અને ચોરીની કમાણીમાંથી ખરીદેલ/વપરાયેલ નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
૧. યામાહા FZ R15 મોટરસાયકલ (નંબર પ્લેટ વગરનું) – કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/-૨. એક મોબાઈલ ફોન – કિંમત રૂ. ૩૦,૦૦૦/- ૩. ગુના સમયે પહેરેલા કપડાં, માસ્ક અને ટોપી – કિંમત રૂ. ૩૦૦/-(કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. ૧,૩૦,૩૦૦/-)
આ કામગીરી મોરબી સીટી એ ડીવીઝન પી.આઈ. શ્રી વાય.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી જે.સી. ગોહિલ, પો.સબ.ઇન્સ. શ્રી જે.વી. ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.



