Rajkot: રાજકોટ શહેરમાં યોજાનારી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરાયા

તા.૧૭/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. ૨૩ માર્ચ, ૨૦૨૫ના રોજ સવારે ૧૦ કલાકથી સાંજના ૦૪ કલાક સુધી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા રાજકોટ શહેરમાં વિવિધ શાળાઓ-કોલેજો ખાતે કુલ ૪૭ કેન્દ્રોમાં યોજાશે. આ પરીક્ષા શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય, પરીક્ષાની કાર્યવાહીમાં કોઈપણ જાતની રૂકાવટ ન આવે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝા દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
જે મુજબ તા. ૨૩ માર્ચના રોજ સવારે ૦૮ કલાકથી સાંજે ૦૫ કલાક દરમિયાન પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજયામાં સ્ટેશનર્સ, વેપારીઓ, શાળા સંચાલકોને ઝેરોક્ષ મશીન ચાલુ રાખવાની મનાઈ છે. શાળાઓની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહીં કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ના કર્મચારીઓએ ચોકસાઇપુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે અને સબંધિતોએ ઓળખકાર્ડ પહેરવાનું રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરી શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજયામાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં.
આ હુકમમાંથી સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતઓ, પરીક્ષા કાર્યમાં રોકાયેલી ઓળખપત્ર ધરાવતી વ્યકિતઓ, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને તેમજ ફરજ પરના પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ, જી.આર.ડી.ના અધિકારીઓ તથા જવાનોને મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.



