MORBI:મોરબી ફૂડ વિભાગ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ૧૫ વેપારીઓને નોટિસ, વાસી ખોરાક અને પ્રતિબંધિત કલરનો નાશ કરાયો







MORBI:મોરબી ફૂડ વિભાગ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ૧૫ વેપારીઓને નોટિસ, વાસી ખોરાક અને પ્રતિબંધિત કલરનો નાશ કરાયો


મોરબી શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ખાદ્યપદાર્થોના વેપારીઓ સામે મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ લાલ આંખ કરી છે. તાજેતરમાં ફૂડ સેફ્ટી ઈન્સ્પેક્ટર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા રેસ્ટોરન્ટ્સ, કેફે અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ સહિત કુલ ૫૦ જેટલા એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કડક કાર્યવાહી દરમિયાન ગંભીર બેદરકારી દાખવનારા ૧૫ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે, તેમજ વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.

અહીં ચેકિંગ દરમિયાન ‘કેફે ચોકો ક્રેઝ’માંથી વાસી કેકનો જથ્થો ઝડપાતા તેનો નાશ કરાયો હતો. જ્યારે ‘ધ ઘૂઘરા હાઉસ’ અને અન્ય બેકરીમાંથી એક્સપાયરી ડેટ (વપરાશની અંતિમ તારીખ) વગરના ખાદ્યપદાર્થો તેમજ આરોગ્ય માટે નુકસાનકારક ફૂડ કલર મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
આ હાઈવે રોડ પર આવેલી જાણીતી હોટેલોમાંથી વાસી મંચુરિયન, અખાદ્ય ગ્રેવી અને વાસી શાકભાજીનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને ફૂડ શાખાએ તાત્કાલિક ફેંકી દઈને નાશ કર્યો હતો.
ખાદ્યપદાર્થો પેક કરવા કે પીરસવા માટે છાપેલા ન્યૂઝ પેપર (છાપા)નો ઉપયોગ કરવા બદલ પણ કડક પગલાં લેવાયા છે. માધવ દાબેલી, અન્નપૂર્ણા નાસ્તા ગૃહ, પોપસ્ટિક વોફલ, પટેલ તાવો અને શ્રી રામ ઘૂઘરા માંથી આશરે ૧૦ કિલો જેટલા પ્રતિબંધિત ન્યૂઝ પેપરનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમત કરનારા કોઈપણ નાના-મોટા વેપારીઓને બક્ષવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ પ્રકારનું આકસ્મિક ચેકિંગ ચાલુ રહેશે અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.



