MORBI:મોરબી: “સરકાર ખેડૂત આંદોલનથી ડરી રહી છે”, ગૌશાળાને નોટિસ મળતા મનોજ પનારાના સરકાર પર આકરા પ્રહારો




MORBI:મોરબી: “સરકાર ખેડૂત આંદોલનથી ડરી રહી છે”, ગૌશાળાને નોટિસ મળતા મનોજ પનારાના સરકાર પર આકરા પ્રહારો


પાટીદાર યુવા સેવા સંઘના અગ્રણી મનોજ પનારાએ રાજ્ય સરકાર, રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરીને મોરબીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મનોજ પનારાએ જણાવ્યું છે કે વર્તમાન સરકાર ખેડૂત આંદોલનથી ડરી ગઈ છે અને તેમને આંદોલનમાંથી પાછા હટાવવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી દબાણ કરવામાં આવી રહ્યું છે. ધૂળકોટ ગામમાં આવેલી ‘મેલડી ધામ ગૌશાળા’ને તંત્ર દ્વારા તોડી પાડવાની નોટિસ અપાતા પનારાએ સરકારની નીતિઓ સામે રોષ ઠાલવ્યો છે.

મનોજ પનારા વિડીયો માઘ્યમથી માહિતી આપતા જણાવ્યું કે, તેઓ ધૂળકોટ ગામની મેલડી ધામ ગૌશાળાના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. સરકારે અચાનક 7 તારીખે એક નોટિસ ફટકારીને જણાવ્યું છે કે આ ગૌશાળા સરકારી ખરાબાની જમીન પર ઊભી કરવામાં આવી છે, તેથી તેને તાત્કાલિક ખાલી કરવામાં આવે, નહિતર વહીવટી તંત્ર દ્વારા તેને તોડી પાડવામાં આવશે.
પનારાએ આક્ષેપ કર્યો છે કે:”આ કાર્યવાહી માત્ર ને માત્ર મને ખેડૂત આંદોલનમાંથી પાછો હટાવવા અને ધમકાવવા માટે જ કરવામાં આવી રહી છે, કારણ કે હું આ ગૌશાળાનો પ્રમુખ છું.”
તેમણે ઉમેર્યું કે આ ગૌશાળામાં હાલ 300 જેટલી અબોલ ગાયોનું ભરણપોષણ થાય છે. ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે જો સરકાર આ ગૌશાળા તોડી પાડશે તો 300 ગાયો નિરાધાર બની જશે અને તેમની હાલત કફોડી થશે.

ગાયોને કોઈ મુશ્કેલી ન પડે અને ગૌશાળા બચી જાય તે માટે મનોજ પનારાએ એક મોટો નિર્ણય લીધો છે. તેમણે ગૌશાળાના પ્રમુખ પદેથી સ્વયંભૂ રાજીનામું આપી દીધું છે અને ચેરિટી કમિશનર સમક્ષ તમામ જરૂરી કાયદાકીય દસ્તાવેજો પણ જમા કરાવી દીધા છે. તેમણે ગૌશાળાના અન્ય ટ્રસ્ટીઓ અને ખાસ કરીને વશરામભાઈ સરપંચને પણ અગાઉ જાણ કરી દીધી હતી કે તેમના રાજકીય અને સામાજિક વલણને કારણે ભવિષ્યમાં ગૌશાળા પર સંકટ આવી શકે છે.”રામ અને ગાયના નામે મત માગનારા જ ગાયોને બેઘર કરે છે”: ભાજપ પર પ્રહારો મનોજ પનારાએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે:: જે પક્ષ ક્યારેક માત્ર 2 સાંસદો સાથે દેશમાં હતો અને રામ તેમજ ગાયના નામે મત માંગીને આજે સત્તા પર આવ્યો છે, તે જ પક્ષની સરકાર આજે ગાયોની આશ્રયસ્થાન સમી ગૌશાળાઓ તોડી રહી છે. તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓને ડ્રગ્સ, દારૂ અને અન્ય ગેરકાયદેસર બે નંબરના ધંધાઓ કરવાની છૂટ છે. ગુનેગારો જ્યારે જેલમાંથી છૂટે છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે.

હિન્દુત્વના નામે રાજકારણ: ગાયને રાષ્ટ્રીય માતા બનાવવાની ગુલબાંગો હાંકનારા અને હિન્દુત્વના નામે સત્તા ભોગવનારાઓ જ આજે અબોલ પશુઓને બેઘર કરી રહ્યા છે.સરકાર અને અધિકારીઓને ખુલ્લી ચેતવણી: “વ્યાજ સહિત હિસાબ થશે”
ખેડૂત આંદોલન અંગે પોતાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા મનોજ પનારાએ સરકાર અને અધિકારીઓને ખુલ્લી ચેતવણી આપી છે કે:જ્યાં સુધી ખેડૂતોને તેમની જમીનનું બજાર કિંમત કરતા 4 ગણું વળતર નહીં મળે, ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે. તેઓ તન, મન અને ધનથી ખેડૂતોની સાથે ઊભા છે. સરકાર ભલે ગમે તેટલા ખોટા કેસો કરે, ધમકીઓ આપે કે ગોળી ચલાવે, તેઓ ડરવાના નથી. પણ સરકાર અબોલ ગાયો પર પોતાનો બળાપો ન કાઢે.: તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, ભવિષ્યમાં જ્યારે પણ સમય બદલાશે અને સરકાર બદલાશે, ત્યારે આ આખા ષડયંત્રમાં સામેલ એક-એક નેતા અને અધિકારીઓનો વ્યાજ સહિત હિસાબ લેવામાં આવશે.




