MORBI:મોરબી માત્ર 200 માટે કાકા-ભત્રીજા પર છરીથી જીવલેણ હુમલો, વાવડી રોડની ઘટનાથી ચકચાર





MORBI:મોરબી માત્ર 200 માટે કાકા-ભત્રીજા પર છરીથી જીવલેણ હુમલો, વાવડી રોડની ઘટનાથી ચકચાર

મોરબી: શહેરના વાવડી રોડ વિસ્તારમાં નજીવી રકમના વિવાદમાં લોહિયાળ હિંસાની ઘટના સામે આવી છે. માત્ર 200 રૂપિયાની માંગણી પૂરી ન થતા એક શખ્સે ચાની હોટલ ચલાવતા સંચાલક અને તેમના ભત્રીજા પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ મામલે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા અને ચાની હોટલ ચલાવતા યુસુફશા કરીમશા શાહમદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી આફતાબ ઉર્ફે ભુરો જુસબભાઈ જુણેજા (રહે. ખ્વાજા પેલેસ પાછળ, લાતી પ્લોટ) એ યુસુફશા પાસે 200 રૂપિયાની માંગણી કરી હતી.
યુસુફશાએ પૈસા આપવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી શરૂ કરી હતી. વિવાદ વધતા આરોપીએ પોતાની પાસે રહેલી છરી વડે યુસુફશા પર હુમલો કર્યો હતો, જેમાં તેમને ખંભા અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી.
જ્યારે યુસુફશાનો ભત્રીજો જાવીદ પોતાના કાકાને બચાવવા વચ્ચે પડ્યો, ત્યારે આરોપી વધુ હિંસક બન્યો હતો. આફતાબે જાવીદને નિશાન બનાવી છરીના ઘા ઝીંક્યા હતા. જાવીદને ગળાના ભાગે, જમણા હાથના પંજામાં અને વાંસાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. હુમલો કર્યા બાદ આરોપીએ બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.
ઘટનાને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે યુસુફશાની ફરિયાદના આધારે આરોપી આફતાબ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



