MORBI:મોરબી પોલીસે રૂ. 4.25 કરોડથી વધુના વિદેશી દારૂનો કર્યો નાશ

MORBI:મોરબી પોલીસે રૂ. 4.25 કરોડથી વધુના વિદેશી દારૂનો કર્યો નાશ
મોરબી: રાજ્ય સરકારની સૂચના મુજબ બુટલેગરો સામે કડક કાર્યવાહી અંતર્ગત મોરબી જિલ્લા પોલીસે આજે જપ્ત કરાયેલ વિદેશી દારૂનો નાશ કર્યો હતો. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.મોરબી એસ.ડી.એમ. પ્રતિવીરસિંહ જેતાવતની હાજરીમાં, નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ એસ.એસ. સરવૈયા, નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ જે.એમ. આલ, નશાબંધી સબ ઇન્સ્પેક્ટર એસ.સી. વાળા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. મોરબી સિટી ‘એ’ અને ‘બી’ ડિવિઝન, મોરબી તાલુકા તેમજ ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂનો સરકારી પંચોની હાજરીમાં વિડિયોગ્રાફી સાથે રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ કુલ 80,643 બોટલ, અંદાજિત રૂ. 4,25,05,538 કિંમતનો વિદેશી દારૂ નષ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે જિલ્લામાં નશાબંધીના કાયદાનો કડક અમલ યથાવત રાખવામાં આવશે અને આવા ગુનાઓ સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે.








