MORBI:મોરબી: પોલીસે ખોવાયેલા ૩૬ મોબાઈલ અને રોકડ મળી રૂ. ૧૧.૨૭ લાખનો મુદામાલ અરજદારોને પરત સોંપ્યો




MORBI:મોરબી: પોલીસે ખોવાયેલા ૩૬ મોબાઈલ અને રોકડ મળી રૂ. ૧૧.૨૭ લાખનો મુદામાલ અરજદારોને પરત સોંપ્યો

પ્રજા કલ્યાણ અને સેવાના ઉત્તરદાયિત્વને સાર્થક કરતા મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે મોટી સફળતા મેળવી છે. “CEIR” પોર્ટલ અને નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી પોલીસે ખોવાયેલા ૩૬ મોબાઈલ ફોન તથા રિક્ષામાં ભુલાઈ ગયેલી રોકડ રકમ શોધી કાઢી, કુલ રૂ. ૧૧,૨૭,૦૦૦/- નો મુદામાલ મૂળ માલિકોને પરત સોંપી “પોલીસ પ્રજાની મિત્ર છે” એ સૂત્રને સાર્થક કર્યું છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર વાય.બી. જાડેજા તથા પીએસઆઈ જે.સી. ગોહિલની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે ગુમ થયેલ માલ-સામાન શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરી હતી.

આ કામગીરી દરમિયાન સર્વેલન્સ સ્ટાફના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા તથા આર્મ પોલીસ કોન્સ્ટેબલ રવીભાઈ ધરમશીભાઈ પટેલે ભારત સરકારના “CEIR” (Central Equipment Identity Register) પોર્ટલ પર સતત ટેકનિકલ મોનિટરિંગ રાખ્યું હતું. જેના પરિણામે રૂ. ૧૦,૩૧,૦૦૦/- ની કિંમતના કુલ ૩૬ ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, એક અરજદારના સીએનજી રિક્ષામાં ભુલાઈ ગયેલા રોકડા રૂ. ૯૬,૦૦૦/- નેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કેમેરાની મદદથી ટ્રેસ કરીને મેળવી લેવાયા હતા.
આમ, મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમે ટેકનિકલ વર્કઆઉટ અને ભારે જહેમત બાદ કુલ રૂ. ૧૧,૨૭,૦૦૦/- નો મુદ્દામાલ તેના અરજદારોને સુરક્ષિત રીતે પરત સોંપી પ્રશંસનીય કામગીરી કરી છે.


