MORBI:મોરબી ત્રિપલ મર્ડર કેસનો આજીવન કેદનો ફરાર આરોપી ૧૦ મહિને ઝડપાયો

MORBI:મોરબી ત્રિપલ મર્ડર કેસનો આજીવન કેદનો ફરાર આરોપી ૧૦ મહિને ઝડપાયો
આગામી અષાઢી બીજની રથયાત્રાના તહેવારને ધ્યાને રાખીને મોરબી પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.બી. દલવાડીના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા તેમજ પેરોલ-ફર્લો રજા પરથી જેલ ભેગા ન થઈ ગુનો આચરનારા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય.બી. જાડેજા દ્વારા વહેલી સવારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ કોમ્બિંગ દરમિયાન પો.સબ.ઇન્સ. જે.સી. ગોહિલને એક ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૮ના ત્રિપલ મર્ડર (ગુ.ર.નં. ૧૩૧/૨૦૧૮, ઇ.પી.કો કલમ ૩૦૨, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૪ વગેરે) ના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકો આરોપી ભરતભાઇ નારણભાઇ ડાભી (ઉં.વ. ૩૦, રહે. મોરબી કેનાલ રોડ, બોરીયા જકશીની વાડી, લાડલી પાર્ટી પ્લોટની સામે) ફરાર છે.આરોપી ભરત ડાભીને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૧૪ દિવસની ફર્લો રજા મંજૂર કરવામાં આવી હતી. આ રજા પૂર્ણ થતાં તેણે ગત તારીખ ૨૮/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ જીલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું. જો કે, તે જેલમાં હાજર થવાને બદલે છેલ્લા ૧૦ મહિનાથી પોલીસને થાપ આપીને નાસતો ફરતો હતો.ચોક્કસ બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસની ટીમે આરોપીના રહેણાંક મકાન પર દરોડો પાડીને તેને ઝડપી લીધો હતો. આરોપીને પકડી પાડી રાજકોટ જીલ્લા જેલ ખાતે મોકલી આપવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.આ સફળ કામગીરી મોરબી સીટી એ ડીવીઝન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય.બી. જાડેજા, પો.સબ.ઇન્સ. શ્રી જે.સી. ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે.








