MORBI:મોરબી મતદાન: મારો મત, મારો અધિકાર અને દેશનો વિકાસ લેખક: પિયુષા પટેલ





MORBI:મોરબી મતદાન: મારો મત, મારો અધિકાર અને દેશનો વિકાસ લેખક: પિયુષા પટેલ
લોકશાહી એ વિશ્વની સૌથી સશક્ત શાસન વ્યવસ્થા માનવામાં આવે છે, અને આ વ્યવસ્થાનો સૌથી મજબૂત આધારસ્તંભ જો કોઈ હોય તો તે છે ‘મતદાન’. મતદાન એ માત્ર આંગળી પર શાહીનું ટપકું નથી, પરંતુ તે દેશના ભવિષ્યને આકાર આપવાની શક્તિ છે.

લોકશાહીમાં જનતા જ જનાર્દન છે. મતદાન દ્વારા નાગરિકો પોતાના શાસકની પસંદગી કરે છે અને દેશના વિકાસમાં સીધી ભાગીદારી નોંધાવે છે. જ્યારે આપણે મતદાન કરીએ છીએ, ત્યારે આપણે એવા પ્રતિનિધિને ચૂંટીએ છીએ જે આપણી સમસ્યાઓ સમજી શકે અને રાષ્ટ્રના હિતમાં નિર્ણયો લઈ શકે. સરકાર બનાવવાની ચાવી સામાન્ય નાગરિકના હાથમાં હોય છે, જે લોકશાહીની સુંદરતા છે.
ભારતના બંધારણ મુજબ, ૧૮ વર્ષથી વધુ ઉંમરના દરેક પુખ્ત નાગરિકને મત આપવાનો અધિકાર મળેલો છે. આ અધિકાર જાતિ, ધર્મ કે લિંગના ભેદભાવ વગર દરેકને સમાન રીતે પ્રાપ્ત છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે મતદાન માત્ર આપણો અધિકાર જ નથી, પણ એક નૈતિક જવાબદારી પણ છે.”

જો આપણે મતદાન નથી કરતા, તો આપણને સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠાવવાનો પણ કોઈ નૈતિક હક રહેતો નથી. એક સાચો અને નિષ્ઠાવાન પ્રતિનિધિ દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે, અને તેની પસંદગી માત્ર જાગૃત મતદાન દ્વારા જ શક્ય છે.
સમયની સાથે મતદાન પ્રક્રિયામાં પણ બદલાવ આવ્યો છે. આજે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના ઉપયોગથી મતદાન પ્રક્રિયા અત્યંત સરળ, ઝડપી અને પારદર્શક બની છે. ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવતા કડક પગલાંને કારણે નિષ્પક્ષ ચૂંટણીઓ યોજાય છે, જેથી સામાન્ય માણસનો વિશ્વાસ લોકશાહીમાં જળવાઈ રહ્યો છે.
દેશના સર્વાંગી વિકાસ અને સુશાસન માટે દરેક નાગરિકે જાગૃત બનીને મતદાન કરવું અનિવાર્ય છે. આપણો એક મત પરિવર્તન લાવી શકે છે. જો આપણે ઈચ્છીએ છીએ કે આપણો દેશ પ્રગતિના પંથે આગળ વધે, તો આપણે આ ‘લોકશાહીના ઉત્સવ’માં ઉત્સાહપૂર્વક ભાગ લેવો જ પડશે.
“તમારો મત, તમારો અધિકાર – દેશના ઉજ્જવળ ભવિષ્યનો આધાર.”




