MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીનો પંચાસર રોડ પર કેનાલ ઓવરફ્લો થતાં રસ્તાઓ બન્યા બેટ, સ્થાનિકોમાં ભારે રોષ

 

MORBI:મોરબીનો પંચાસર રોડ પર કેનાલ ઓવરફ્લો થતાં રસ્તાઓ બન્યા બેટ, સ્થાનિકોમાં ભારે રોષ

મોરબી શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના સામે આવી છે. મોરબીના પંચાસર રોડ પર આવેલી કેનાલ અચાનક ઓવરફ્લો થતાં સમગ્ર વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

કેનાલના પાણી રોડ પર ફરી વળવાને કારણે પંચાસર રોડ જાણે બેટમાં ફેરવાઈ ગયો છે. માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે અનેક વાહનો અધવચ્ચે બંધ પડી ગયા હતા, જેને પગલે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. રોજિંદી અવરજવર કરતા વાહનચાલકો અને રાહદારીઓને આ જળબંબોળની સ્થિતિમાં પસાર થવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

તંત્ર ઘોર નિદ્રામાં? રવાપર બાદ હવે પંચાસર રોડ પર દ્રશ્યો રિપીટ

સ્થાનિક લોકોમાં નગરપાલિકા અને સંબંધિત તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હજુ થોડા દિવસો પહેલા જ રવાપર રોડ પર પણ આ જ પ્રકારે કેનાલ ઓવરફ્લો થવાની અને પાણી ભરાવવાની ઘટના બની હતી. એ ઘટનામાંથી પાઠ ભણવાને બદલે આજે ફરી પંચાસર રોડ પર એ જ દ્રશ્યોનું પુનરાવર્તન થતાં તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે.

સ્થાનિકોનો વેધક સવાલ: “વારંવાર કેનાલ ઓવરફ્લો થવાની ઘટનાઓ બને છે, છતાં તંત્ર દ્વારા કોઈ આગોતરા પગલાં કે કાયમી ઉકેલ કેમ લાવવામાં આવતો નથી? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?”

હાલ તો પંચાસર રોડના રહીશો અને વેપારીઓ વહેલી તકે આ પાણીના નિકાલની અને કેનાલના યોગ્ય સમારકામની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ઊંઘતું તંત્ર આ આક્રોશ પછી જાગશે કે પછી જૈસે થે ની સ્થિતિ રહેશે.

Back to top button
error: Content is protected !!