MORBI: મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન પાર્ટ-૩ વધુ ઉગ્ર બન્યું: સરકારના ઠરાવનો સ્પષ્ટ ઇનકાર, MRC કમિટીમાં પ્રતિનિધિ નીમવા ખેડૂતો તૈયાર નથી

MORBI: મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન પાર્ટ-૩ વધુ ઉગ્ર બન્યું: સરકારના ઠરાવનો સ્પષ્ટ ઇનકાર, MRC કમિટીમાં પ્રતિનિધિ નીમવા ખેડૂતો તૈયાર નથી
ટ્રાન્સમિશન લાઈન અને ટાવર ઉભા કરવાના મુદ્દે મોરબીના જેતપર ગામે ચાલી રહેલું ખેડૂત આંદોલન પાર્ટ-૩ હવે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના વર્તમાન ઠરાવ સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે અને તંત્રના તમામ પ્રસ્તાવોને ફગાવી દીધા છે.ગત તારીખ ૧૪ ના રોજ જેતપર ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં કલેક્ટરને જણાવી દીધું હતું કે સરકારનો વર્તમાન પરિપત્ર તેમને બિલકુલ માન્ય નથી. જોકે, આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા નિયમોનુસાર MRC (District Level Committee) ની કામગીરી અને આ કમિટીમાં ખેડૂતોના યોગ્ય પ્રતિનિધિની નિમણૂક કરવા અંગે વાત મૂકવામાં આવી હતી.
કલેક્ટરની સૂચના બાદ આજે તારીખ ૧૬ ના રોજ રેવન્યુ તલાટી મંત્રી જેતપર ગામે પહોંચ્યા હતા. ટ્રાન્સમિશન લાઈન પસાર થવાને કારણે જેતપર ગામના જે ખેડૂતોની જમીન લિસ્ટમાં સામેલ છે, તેમની જમીનમાં ટાવર બેઝ અને કોરિડોર હેઠળ આવતી જમીનના નુકસાની વળતર અંગે ચર્ચા કરવા માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો મુખ્ય હેતુ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ મુજબ જમીનની બજાર કિંમત નિયત કરી આગળની કામગીરી કરવાનો હતો.ખેડૂતોનો એકસૂર: “સરકાર જૂનો ઠરાવ બદલીને ખેડૂતોની માંગણી મુજબનો નવો સુધારા ઠરાવ બહાર પાડે, તેનો અભ્યાસ કર્યા પછી જ યોગ્ય નિર્ણય લેવાશે.”આ સભામાં હાજર રહેલા જેતપર ગામના તમામ ખેડૂતોએ એક થઈને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવને અમાન્ય જાહેર કર્યો હતો. ખેડૂતોએ વહીવટી તંત્ર સમક્ષ કડક વલણ અપનાવતા જણાવ્યું કે:તેઓ વળતર નક્કી કરતી વહીવટી પ્રક્રિયા કે MRC કમિટીના પ્રતિનિધિ બનવા જરાય તૈયાર નથી.અત્યારની સ્થિતિએ ગામનો કોઈ પણ ખેડૂત સરકારી કાગળો પર સહી કરવા રાજી નથી.જ્યાં સુધી સરકાર ખેડૂતોના હિતમાં નવો સુધારા ઠરાવ નહીં બનાવે અને ખેડૂતો તેનો અભ્યાસ કરીને સંતોષ નહીં અનુભવે, ત્યાં સુધી ગામમાં કોઈ પણ પ્રકારની આગળની કાર્યવાહી કરવા દેવામાં આવશે નહીં.ખેડૂતોના આ મક્કમ અને આક્રમક વલણને જોતા જેતપર ગામમાં ટ્રાન્સમિશન લાઈનની કામગીરી હાલ પૂરતી અટવાઈ પડી હોય તેવું લાગી રહ્યું છે અને તંત્ર માટે આ ગૂંચ ઉકેલવી મોટો પડકાર બની ગઈ છે.








