MORBI:મોરબી પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ બુટલેગર સામે ‘પાસા’,ભાવનગર જેલ હવાલે કરાયો

MORBI:મોરબી પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ બુટલેગર સામે ‘પાસા’, ભાવનગર જેલ હવાલે કરાયો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા બુટલેગરો સામે પોલીસ તંત્રે લાલ આંખ કરી છે. અસામાજિક પ્રવૃત્તિઓ પર ડામ લગાવવાના ભાગરૂપે મોરબી ક્રાઇમ બ્રાન્ચે એક સક્રિય બુટલેગરને પાસા (PASA) હેઠળ અટકાયત કરી ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વાલજી ઉર્ફે વાલો શામજીભાઇ જંજવાડીયા (ઉં.વ.૩૬, રહે. ત્રાજપર એસ્સાર પેટ્રોલપંપ પાછળ, મોરબી-૨) સામે પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હતા. આ ઇસમની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે મોરબી તાલુકા પોલીસ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવામાં આવી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ દરખાસ્ત ગ્રાહ્ય રાખી વાલજી ઉર્ફે વાલા સામે પાસાનું વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. વોરંટ ઇશ્યુ થતાં જ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમ બનાવી આરોપીની સત્વરે અટકાયત કરવામાં આવી હતી. પાસા એક્ટ હેઠળ આરોપીને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે.









